ડુંગરપુરમાં ભાજપ રાજસ્થાનની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ રોડ શો દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યની ગેહલોત સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ રાજ્યમાં પાંચ વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર અને ગુનામાં વધારો થયો છે.
ઉપરાંત, તેમણે DMK અને તેમના I.N.D.I.A સહયોગી કોંગ્રેસ પર સનાતન ધર્મને સમાપ્ત કરવાની વાત કરવાનો આરોપ લગાવ્યો. તેમણે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે હિન્દુ સંગઠનોની તુલના કરવા બદલ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
ઉધયનિધિની ટિપ્પણી પર પલટવાર
DMK નેતા ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણી પર કે ‘સનાતન ધર્મ’ નાબૂદ થવો જોઈએ અને માત્ર વિરોધ જ નહીં, શાહે વળતો પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા બે દિવસથી, I.N.D.I.A ગઠબંધન ‘સનાતન ધર્મ’નું અપમાન કરી રહ્યું છે. DMK અને કોંગ્રેસના નેતાઓ માત્ર વોટ બેંકની રાજનીતિ માટે ‘સનાતન ધર્મ’ નાશ કરવાની વાત કરી રહ્યા છે અને આ પહેલીવાર નથી કે તેઓએ આપણા ‘સનાતન ધર્મ’નું અપમાન કર્યું હોય.
બીજી પરિવર્તન યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
શાહે બીજી પરિવર્તન યાત્રાને લીલી ઝંડી બતાવ્યા બાદ રાજસ્થાનમાં એક સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વિપક્ષ પર નિશાન સાધતા તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને યાદ કરતા કહ્યું કે બજેટ પર પહેલો અધિકાર લઘુમતીઓનો છે, પરંતુ અમે કહીએ છીએ કે આના પર પહેલો અધિકાર ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાત વર્ગોનો છે.
રાહુલ ગાંધી પર હુમલો
ભાજપ નેતાએ હિંદુ સંગઠનોની તુલના લશ્કર-એ-તૈયબા સાથે કરવા બદલ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું, “આજે કોંગ્રેસ પાર્ટી કહે છે કે જો મોદીજી જીતશે તો સનાતન રાજ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હિંદુ સંગઠનો લશ્કર-એ-તૈયબા કરતા વધારે ખતરનાક છે.”