આરોપો અનુસાર, ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરે બેંકના નિયમોનું ઉલ્લંઘન કરીને વીડિયોકોન જૂથને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી.
બોમ્બે હાઈકોર્ટે ICICI બેંક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરને એક-એક લાખ રૂપિયાના રોકડ જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, ICICI બેંક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં CBIએ કોચર દંપતીની ધરપકડ કરી હતી. જે બાદ વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતની પણ આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ ત્રણેય જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
જાણો શું છે સમગ્ર મામલો
આરોપો અનુસાર, ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરે બેંકના નિયમોનું ઉલ્લંઘન કરીને વીડિયોકોન જૂથને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન મેળવ્યા બાદ વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (NRPL)માં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારે ICICI પાસેથી લોન મેળવ્યાના છ મહિના પછી વેણુગોપાલ ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર અને અન્ય બે સંબંધીઓ સાથે મળીને આ પેઢી શરૂ કરી હતી. વર્ષ 2019 માં, સીબીઆઈએ વેણુગોપાલ ધૂત, ચંદા કોચર અને તેના પતિ દીપક કોચર સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે ઇડીએ પણ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. જોકે બોમ્બે હાઈકોર્ટ તરફથી હવે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન પર મુક્ત કરાતા બંને ને મોટી રાહત મળી છે.