Credit-Debit Card Peyment: જો તમે પણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. માહિતી આપતા સરકારે જણાવ્યું છે કે, હવે જો તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા નાણાકીય વર્ષમાં સાત લાખ રૂપિયા સુધી વિદેશમાં ખર્ચ કરો છો, તો તમારે આ ખર્ચ પર TCS ચૂકવવાની જરૂર નથી.
નાણા મંત્રાલયે આપી જાણકારી
ઘણી ટીકાઓ વચ્ચે નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ રિઝર્વ બેન્કની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) અને ટીસીએસ (TCS) ના સંદર્ભમાં પ્રક્રિયાગત અસ્પષ્ટતાને દૂર કરવાનો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચને એલઆરએસ (LRS) ના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો હતો.
7 લાખ રૂપિયા સુધી મળી છૂટ
પરિણામે તેના પર 20 ટકા ટીસીએસ (TCS) લાદવામાં આવ્યો હતો. નિષ્ણાતો અને સંબંધિત પક્ષોએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. મંત્રાલયે જણાવ્યું છે કે, પ્રક્રિયાગત અસ્પષ્ટતાને દૂર કરવા માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં એક નાણાકીય વર્ષમાં 7 લાખ રૂપિયા સુધીના ખર્ચને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમમાંથી બાકાત રાખવામાં આવશે અને TCS નહીં કપાશે.
વિદેશમાં અભ્યાસ અને સારવાર પર નથી કપાતો TCS
હાલમાં વિદેશમાં તબીબી સારવાર અને અભ્યાસ માટે 7 લાખ રૂપિયા સુધીના ખર્ચ પર TCS કાપવામાં આવતી નથી. આવા ખર્ચ પર પાંચ ટકાના દરે TCS કાપવામાં આવે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત ચૂકવણી માટે TCS સાથે જોડાયેલી હાલની સુવિધા ચાલુ રહેશે.
RBI એ લખ્યો સરકારને પત્ર
વિદેશી રેમિટન્સ કંપનીઓ પાસેથી મેળવેલા ડેટા પરથી જાણવા મળ્યું છે કે હાલની LRS મર્યાદા 2.50 લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચ કરવાની પરવાનગી સાથે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવી રહ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આરબીઆઈએ સરકારને ઘણી વખત પત્ર પણ લખ્યો હતો કે વિદેશી ડેબિટ અને ક્રેડિટ પેમેન્ટની ડિફરન્શિયલ ટ્રીટમેન્ટને દૂર કરવામાં આવે.