માર્ચ-૨૦૨૩ માસમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી ખેતી/બાગાયતી પાકના નુકસાની બાબતે જિલ્લા વહીવટી તંત્ર મારફત જે-તે વખતના અખબારી અહેવાલો, પડેલ વરસાદના માપદંડ અને વરસાદની તીવ્રતા, સ્થાનિક તંત્ર મારફત થયેલ પ્રાથમિક રીપોર્ટ વગેરેનાં પ્રમાણભૂત આધારો લઇને ધારી, બગસરા, ખાંભા, લાઠી, સાવરકુંડલા, અમરેલી, કુંકાવાવ, રાજુલા અને જાફરાબાદમાં જિલ્લા વહીવટી તંત્ર મારફત ટેકનીકલ સ્ટાફની સર્વે ટીમોની રચના કરીને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરાતા અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આ તમામ તાલુકાઓમાં કૃષિ રાહત પેકેજ-૨૦૨૩ જાહેર કરવામાં આવ્યું છે.
આ કૃષિ રાહત પેકેજ-૨૦૨૩ સરકારે ઠરાવેલા ધારાધોરણ મુજબ સર્વેમાં સમાવિષ્ટ હોય અને ૩૩% કે તેથી વધુ નુકશાની ધરાવતા અને ખેતી કે બાગાયતી પાકોની સર્વે યાદીમાં નોંધણી થઈ હોય/ઓળખ થઈ હોય તેવા ખેડૂતો પાત્રતા ધરાવે છે. આ સિવાયના કોઇ પણ ખેડૂતો ઉક્ત પેકેજ માટે પાત્રતા ધરાવતા નથી. આ પેકેજ અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોએ નિયત દસ્તાવેજો, ૮-અ, ૭-૧૨ આધાર કાર્ડ, તલાટી મંત્રીશ્રીનો પાક વાવેતરનો દાખલો કે પ્રમાણપત્ર અને બેંક પાસબુકની નકલ નિયત કરેલા અરજી ફોર્મ સાથે જોડી સંબધીત ગ્રામસેવકશ્રીને આપવાના રહેશે. આ અંગે અરજી કરવા માટેની સમયમર્યાદા દિન-૧૦ની રહેશે.
આમ, તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોએ પોતાની સાધનીક કાગળો સાથેની અરજી તાત્કાલિક પહોચતી કરવા આથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ જાણકારી કે માર્ગદર્શન માટે આપના ગામના ગ્રામસેવકશ્રી કે વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) કે તાલુકા નોડલ ઓફીસરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.