ધાર્મિક માન્યતાઓના આધારે પ્રસાદ ધરાવવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય કહેવાય છે. એવું કહેવાય છે કે જો ભક્તો પોતાના આરાધ્ય દેવને પૂરી ભક્તિ અને પ્રેમથી પ્રસાદ ધરાવે, તો દેવતાઓ પ્રસન્ન થઈને તેમના આશીર્વાદ વરસાવે છે. હિન્દુ ધર્મમાં પૂજાનું હંમેશા મહત્ત્વ રહ્યું છે. પૂજા કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. પ્રસાદ વિશે એવું કહેવાય છે કે પ્રસાદ તાજો બનાવવો અને સ્વચ્છતા સાથે બનાવવો જોઈએ. આ ઉપરાંત, પ્રસાદ સાથે ઘણા નિયમો જોડાયેલા છે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં જાણો માન્યતા અનુસાર પ્રસાદ ધરાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ –
પ્રસાદ ધરાવવાનું વાસણ –
કયા પાત્રમાં પ્રસાદ ધરાવવામાં આવે છે તે પણ મહત્ત્વનું છે. જો પ્રસાદ ધરાવવા માટેનું પાત્ર સોના, માટી અથવા પિત્તળની ધાતુથી બનેલું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય કેળાના પાન કે સોપારીના પાનમાં ભોગ ચઢાવવાની વિશેષ માન્યતા છે.
પ્રસાદ ક્યારે તૈયાર કરવો –
પૂજાના માત્ર થોડા કલાકો પહેલાં જ પ્રસાદ તૈયાર કરવો. પ્રસાદ જેટલો તાજો હોય તેટલો સારો ગણાય. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પ્રસાદ બહુ વહેલા પહેલા તૈયાર ન કરવો જોઈએ. જોકે, શીતળા માતાની પૂજામાં વાસી પ્રસાદનો ઉપયોગ કરવામાં આવે છે અને પૂજાની એક રાત પહેલા પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, અન્ય પૂજાઓમાં પ્રસાદ તાજો બનાવવાની સલાહ આપવામાં આવે છે.
પ્રસાદનો અનાદર ન થાય –
એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારે પ્રસાદનું અનાદર ન થાય. કોઈપણ પ્રસાદ ફેંકે નહીં, પ્રસાદ સાથે રમે નહીં અને પ્રસાદને ગંદા હાથથી અડે નહીં. ભગવાનને માત્ર સ્વચ્છ હાથે જ પ્રસાદ ધરાવવો અને પ્રસાદનો આદર કરો જે રીતે તમે તમારા દેવતાનો કરો છો.
પ્રસાદ ક્યારે હટાવવો –
પ્રસાદ ધરાવ્યા પછી તેને ભગવાનની સામે લાંબો સમય રાખવો શુભ માનવામાં આવતો નથી. પૂજા સ્થળેથી પ્રસાદ હટાવવાનો પણ સમય હોય છે. જ્યારે પ્રસાદ ધરાવવામાં આવે છે, ત્યારપછી તે પ્રસાદને મંદિરમાંથી બહાર કાઢી લેવો જોઈએ. તેને ઢાંકીને સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ અને અન્ય ભક્તોમાં પ્રસાદ વહેંચવો જોઈએ.
કેવો હોવો જોઈએ પ્રસાદ –
એમ તો પ્રસાદ સાત્વિક જ હોય છે, પરંતુ દરેક દેવતાનો પ્રિય પ્રસાદ અલગ અલગ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, પ્રસાદમાં દેવી-દેવતાઓને જે વસ્તુઓ ગમે છે તે જો તેમને ધરાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થઈ શકે છે. તેનાથી પૂજા સફળ માનવામાં આવે છે અને પૂજાનું સારું ફળ મળે છે.