રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. પાર્ટીના મજબૂત નેતા સચિન પાયલટ કોંગ્રેસ છોડીને નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સચિન પાયલટ 11 જૂને પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. આ સાથે તેઓ તેમના આંદોલનને આગળ વધારવાની પણ જાહેરાત કરશે.
રાજસ્થાનમાં બે પાર્ટી રજિસ્ટર્ડ, એકના નામની જાહેરાત કરી શકે છે પાયલટ
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં બે પક્ષો નોંધાયા છે. આમાંથી એક પક્ષનું નામ પ્રોગ્રેસિવ કોંગ્રેસ અને બીજી પાર્ટીનું નામ રાજ જન સંઘર્ષ પાર્ટી છે. સચિન પાયલટ આ બેમાંથી કોઈ એક નામની જાહેરાત કરી શકે છે.
નવી પાર્ટીના નામનો રથ પણ તૈયાર, પાયલટ સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરશે
પાયલટ તેમની મોટી જાહેરાત પહેલા મંદિરોના દર્શન કરી રહ્યા છે. આંદોલનને આગળ લઈ જવા માટે નવા પક્ષના નામનો રથ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ આ રથ સાથે સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કરશે. આ રથયાત્રાનો રોડ મેપ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. સચિન પાયલટનો પ્રવાસ મારવાડથી શરૂ થઈ શકે છે.
પોતાની જ સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે પાયલટ
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સચિન પાયલટે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને સરકારી ભરતી પરીક્ષાઓના પેપર લીક સામે જન સંઘર્ષ પદ યાત્રા પણ કાઢી હતી. તેઓ સતત ભ્રષ્ટાચારના આરોપમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને ઘેરી રહ્યા છે. પરંતુ ચૂંટણીના વર્ષમાં કેન્દ્રીય નેતૃત્વ અશોક ગેહલોતને હટાવીને કોઈ જોખમ લેવા માગતું નથી. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ અહીં ફરી પોતાની સરકાર બનાવવાની આશા રાખી રહી છે.