આજે ભારતમાં કેટલા ધનકુબેર છે તે વિશે તમે કદાચ જાણતા હશો. પરંતુ, શું તમે સ્વતંત્ર ભારતના પ્રથમ અબજોપતિ (India’s First Billionaire) વિશે જાણો છો? કદાચ ના. તો ચાલો તમને જણાવીએ. સ્વતંત્ર ભારતના પ્રથમ અબજોપતિ બનવાનું બિરુદ હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલી ખાન (Nizam Mir Osman Ali Khan) પાસે હતું. ટાઇમ મેગેઝિને તેના 22 ફેબ્રુઆરી, 1937ના અંકમાં “ધ રીચેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ” શીર્ષકમાં તેમને કવર પર દર્શાવ્યા હતા. આઝાદી પછી, હૈદરાબાદ રજવાડું ભારતમાં ભળી ગયું. પરંતુ, તેમ છતાં ઉસ્માન અલી પાસે અપાર સંપત્તિ હતી. તેમના વિદેશી બેંક એકાઉન્ટ્સમાં અબજો રૂપિયા જમા હતા. આજે પણ ઈંગ્લેન્ડની બેંકમાં નિઝામના 3 અબજ રૂપિયાથી વધુ જમા છે.
અમીર હોવાની સાથે સાથે તેમની કંજૂસાઈની પણ ઘણી ચર્ચા છે. તેઓ ખૂબ જ સાદા વસ્ત્રો પહેરતા હતા. ખૂબ ગંદા રહેતા હતા. તેમનો બેડરૂમ વર્ષમાં માત્ર એક જ વાર સાફ કરવામાં આવતો હતો. મહેમાનોને ખવડાવવામાં પણ તેઓ ખૂબ જ કંજૂસ હતા. તેમને મળવા આવેલા મહેમાનોને ચાના કપ સાથે માત્ર એક બિસ્કિટ પીરસવામાં આવતું હતું. દીવાન જર્મની દાસે તેમના પ્રખ્યાત પુસ્તક ‘મહારાજા’માં પણ લખ્યું છે કે, નિઝામને તેમના પરિચિતો અમેરિકન, બ્રિટિશ કે તુર્કીની સિગારેટ ઓફર કરતા હતો, તો તેઓ એકની જગ્યાએ સિગારેટના પેકેટમાંથી ચાર-પાંચ સિગારેટ કાઢી લેતા હતા. તેઓ સસ્તી ચારમિનાર સિગારેટ પીતા હતા, જેની એક પેકેટની કિંમત તે જમાનામાં 12 પૈસા હતી.
આટલી હતી નેટવર્થ
ઉસ્માન અલી ખાન વર્ષ 1911માં હૈદરાબાદના નિઝામ બન્યા હતા. જ્યારે દેશ આઝાદ થયો અને હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ થયું, ત્યાં સુધી તેઓ આ પદ પર રહ્યા. નિઝામની કુલ નેટવર્થ 230 બિલિયન ડોલર એટલે કે 17.47 લાખ કરોડ (Nizam Mir Osman Ali Khan Net worth) ગણવામાં આવે છે. 1947માં નિઝામની કુલ સંપત્તિ અમેરિકાના કુલ જીડીપીના 2 ટકા જેટલી હતી. નિઝામની પોતાની કરન્સી અને એરલાઇન હતી. તેમની પાસે 100 મિલિયન પાઉન્ડ સોનું, 400 મિલિયન પાઉન્ડના ઝવેરાત હતા. મહારાણી એલિઝાબેથ II ના લગ્નમાં, નિઝામે તેમને 300 હીરા જડેલા નેકલેસ ભેટમાં આપ્યા હતા.
હીરાની ખાણ આવકનો મુખ્ય સ્ત્રોત
ગોલકોંડાની ખાણો નિઝામની આવકનો સૌથી મોટો સ્ત્રોત હતો. તે સમયે આ ખાણ વિશ્વમાં હીરાના પુરવઠાનો એકમાત્ર સ્ત્રોત હતો. નિઝામ પાસે જેકબ ડાયમંડ હતો, જે તે સમયે વિશ્વના સાત સૌથી મોંઘા હીરામાં ગણાતો હતો. લીંબુના આકારના હીરાનો ઉપયોગ નિઝામ દ્વારા હંમેશા પેપરવેઇટ તરીકે કરવામાં આવતો હતો. હૈદરાબાદ રજવાડાનો કુલ વિસ્તાર 80,000 ચોરસ કિલોમીટરથી વધુ હતો. આ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કુલ ક્ષેત્રફળ કરતાં વધુ છે. તેમને ટેક્સ વગેરેના રૂપમાં પણ ઘણી રકમ મળતી હતી.
આજે પણ બેંકોમાં જમા છે અબજો રૂપિયા
નિઝામ મીર ઉસ્માન અલી ખાને તેમના ઘણા રૂપિયા વિદેશી બેંકોમાં જમા કરાવ્યા હતા. તેમની પાસે 35 મિલિયન પાઉન્ડ એટલે કે ઈંગ્લેન્ડની બેંકમાં 3 અબજ રૂપિયાથી વધુ જમા છે. પાકિસ્તાન અને ભારત બંને આ રકમ પર દાવાનો કેસ લડી રહ્યા છે અને નિઝામના પરિવારના 400 લોકોએ પણ દાવો કર્યો છે. કહેવાય છે કે આ સિવાય અન્ય ઘણી વિદેશી બેંકોમાં પણ નિઝામના રૂપિયા ફસાયેલા છે.