નવસારી જિલ્લામાંથી હૈયું કંપાવે એવી હત્યાની ઘટના સામે આવી છે. સામાન્ય ઝઘડામાં માનસિક રીતે બીમાર પુત્રે સગી માતાના ગળા પર ચપ્પુ ફેરવ્યું જો કે માતાનું મોત ન થતાં ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ પુરાવા છુપાવવા લાકડાં-ઘાસથી માતાના મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બહેનના કારણે તેણે પુરાવાનો નાશ કરવામાં સફળતા મળી નહોતી. પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પુત્રની માનસિક સ્થિતિ સારી ન હોવાથી સ્વભાવ ઉગ્ર બન્યો હતો
આરોપીની બહેને નોંધાવેલી ફરિયાદ મુજબ, નવસારીના બીલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારમાં 31 વર્ષીય ભાઈ પ્રિયાંક રણછોડભાઈ ટંડેલ માતા-પિતા અને ત્રણ બહેન સાથે રહે છે. પ્રિયાંક છેલ્લા ઘણા સમયથી અસ્થિર મગજનો હોવાથી દવા લેતો હતો. પ્રિયાંક કોલેજમાં અભ્યાસ કરતો હતો. માનસિક સ્થિતિ સામાન્ય ન હોવાથી તેનો સ્વભાવ ઉગ્ર બન્યો હતો અને સામાન્ય બાબતે પણ માતા-બહેનો સાથે ઝઘડો કરી મારામારી કરતો હતો.
માતાની હત્યા કરી ઘર નજીક ખુલ્લા પ્લોટમાં મૃતદેહ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો
દરમિયાન ગઇકાલે સવારે ઘરમાં પ્રિયાંક અને તેની માતા સુમિત્રા ટંડેલ ઘરમાં એકલા હતા. ત્યારે કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાઈને પ્રિયાંકે પહેલા સુમિત્રા ટંડેલના ગળા પર ચપ્પુ ફેરવ્યું જો કે, માતાનું મોત ન થતાં નરાધમ પુત્રે ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ માતાના મૃતદેહને ઘરની બાજુંમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લઈ જઈ ઘાસ-લાકડીથી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ દરમિયાન બહેન ત્યાં આવી જતા તે મૃતદેહને સળગાવવામાં સફળ થયો નહોતો. બહેનની ફરિયાદના આધારે પોલીસે પ્રિયાંકની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિધિની વક્રતા છે કે બહેનને જ પોતાના સગા ભાઈ વિરુદ્ધ માતાની હત્યાની પોલીસ ફરિયાદ આપવી પડી છે.