વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે તેમની સરકાર કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે વાર્ષિક રૂ. 6.5 લાખ કરોડનો ખર્ચ કરી રહી છે. વડાપ્રધાને ખાદ્ય તેલના ક્ષેત્રમાં પણ દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરી. “આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ” પર એક કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ તેમની સરકારના કાર્યો જેમ કે પ્રધાનમંત્રી કિસાન યોજના, MSP અને ખાતરમાં રાહતો પર પણ ભાર મૂક્યો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ખેડૂતોને તેમની ઉપજ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીને 15 લાખ કરોડ રૂપિયાથી વધુ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે ગયા વર્ષે ખાતર સબસિડી પર 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. વડાપ્રધાને કહ્યું કે બીજા શબ્દોમાં કહીએ તો સરકાર કૃષિ અને ખેડૂતો પર દર વર્ષે લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા ખર્ચી રહી છે.
દરેક ખેડૂતને વાર્ષિક 50 હજારની સહાય આપવામાં આવી
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે આનો અર્થ એ છે કે સરકાર દરેક ખેડૂતને દર વર્ષે કોઈને કોઈ સ્વરૂપે સરેરાશ 50,000 રૂપિયાની સહાય આપી રહી છે. એટલે કે ભાજપ સરકારમાં ખેડૂતોને દર વર્ષે 50,000 રૂપિયા અલગ-અલગ રીતે મળવાની ખાતરી આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે તેમની સરકારે શું કર્યું છે અને માત્ર “વાયદાઓ” વિશે વાત કરી રહ્યા નથી.
2.5 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા
વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં પીએમ કિસાન યોજના હેઠળ 2.5 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. મોદીએ કહ્યું, “આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજો તમને એ વાત પરથી લાગી શકે છે કે 2014 પહેલાના પાંચ વર્ષ માટે કુલ કૃષિ બજેટ 90,000 કરોડ રૂપિયાથી ઓછું હતું.” તેઓ 17મી ભારતીય સહકારી કોંગ્રેસમાં બોલી રહ્યા હતા.
ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે
ભારતીય સહકારી કોંગ્રેસના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન, સહભાગીઓ સહકારી ચળવળના વિવિધ વલણોની ચર્ચા કરશે. અપનાવવામાં આવી રહેલી શ્રેષ્ઠ પ્રથાઓનું પ્રદર્શન કરશે અને સામનો કરાઈ રહેલા પડકારો પર ચર્ચા કરશે. એટલું જ નહીં, ભારતની સહકારી ચળવળના વિકાસ માટે ભાવિ નીતિગત પગલાંની રૂપરેખા તૈયાર કરશે.