સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ આજે દિલ્હીમાં યોજાનારી ભાજપ સંગઠનની રાષ્ટ્રીય બેઠકમાં સામેલ થશે. તેમના દિલ્હી પ્રવાસથી ગુજરાતમાં ભાજપ સંગઠનમાં ફેરફારની અટકળો ઘણી તેજ બની રહી છે. આજે દિલ્હીમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપ શાસિત રાજ્યોની બેઠક મળશે. જેમાં દિલ્હી, યુપી સહીતના રાજ્યોના સંગઠનના નેતાઓ સામેલ થશે.
કેન્દ્રમાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે સી.આર.પાટીલને કેબિનેટમાં સ્થાન મળી શકે છે, જો તેમને સ્થાન મળે તો ગુજરાતમાં તેમના સ્થાને કોણ હશે તેને લઈને પણ સવાલ છે જેથી કેન્દ્રની સાથે સાથે રાજ્યના સંગઠનમાં પણ ફેરફાર થશે. તે પહેલા દિલ્હીમાં મહત્વની બેઠક મળી રહી છે ત્યારે બની શકે છે આ મામલે ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે.
આ ઉપરાંત આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કેમ કે, આગામી સમયમાં લોકસભાની પણ તૈયારીઓ રાજ્યમાં તેજ બની છે ત્યારે આ વખતે વધુ બેઠકોનું લક્ષ્યાંક ભાજપે રાખ્યું છે. આ વખતે જ્યાં ભાજપે 400 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યાં સરકારમાં ફેરફારની સાથે સંગઠનમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. સંગઠનમાં 11 જુલાઈ સુધીમાં પણ ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી 3 સીટો માટે થઈ રહી છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે.
ભાજપ કે સંગઠ માળખામાં ફેરફાર પહેલા દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યું છે. જેપી નડ્ડા, બીએલ સંતોષની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે. જેમાં રાજસ્થાન, એમ.પી, ઉત્તરપ્રદેશ, દિલ્હી સહીતના પ્રદેશ ભાજપના રાજ્યોના પદાધિકારીઓ સામેલ થશે. આ બેઠકમાં ગુજરાતની વર્તમાન સ્થિતિ શું છે તે બાબતે પણ ચર્ચા થશે.