ગાંધીનગરના સાદરા ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ કાપવા માટે સાબરમતી નદી કિનારે ગયેલો ગામનો યુવક નદીમાં ડૂબી જતાં ફાયર બ્રિગેડને બોલાવી પડી હતો. જો કે, તેમ છતાં યુવકની ભાળ ન મળતા NDRFની ટીમને બોલવવાની ફરજ પડી હતી.
ગાંધીનગરના સાદરા ગામમાં રહેતો 33 વર્ષીય દિનેશ રતાજી ઠાકોર વાસ કાપવાનું કામ કરે છે. મંગળવારે વહેલી સવારે તે તેના મિત્ર ભૂપત ઠાકોર સાથે વાસ કાપવા માટે સાબરમતી નદીના કિનારે ગયો હતો. દરમિયાન દિનેશ નદીના ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. આથી તેનો મિત્ર ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તે તાત્કાલિક મદદ માટે ગામ તરફ દોડી ગયો હતો અને ગ્રામજનોને આ ઘટના અંગે વાત કરી હતી. ગ્રામજનો પણ ત્વરિત ફાયર બ્રિગેડની ટીમ સાથે દિનેશની શોધ કરવા નદી કિનારે પહોંચ્યા હતા.
કલાકો સુધી ફાયરબ્રિગેડે શોધ્યો પણ ન મળ્યો, NDRFની ટીમ બોલાવી
ફાયરની ટીમે યુવકની શોધ કરવા કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ, તેમ છતાં તેની કોઈ ભાળ મળી નહોતી. આથી ગામના લોકોએ NDRFની ટીમને પણ જાણ કરી હતી. જો કે, હજી સુધી દિનેશને શોધી શકાયો નથી. આથી NDRFની ટીમને બોલવવામાં આવી છે. યુવકને લઈ પરિવાર સહિત સમગ્ર ગામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવક મળી જાય તે માટે ગ્રામજનો પ્રાર્થના કરી રહ્યા છે.