જાપાન અને યુએસ હાઈપરસોનિક મિસાઈલ ઈન્ટરસેપ્ટર વિકસાવવા પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આ બંને દેશોનો સંયુક્ત પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટથી ઉત્તર કોરિયા અને ચીન બંનેની હાલત ખરાબ થઈ શકે એમ છે. કારણ કે ઉત્તર કોરિયા આ વિસ્તારમાં સતત હાયપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કરીને આ વિસ્તારમાં તણાવ પેદા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જાપાન અને અમેરિકાનો સંયુક્ત પ્રોજેક્ટ ઉત્તર કોરિયાની હાઈપરસોનિક મિસાઈલના ખતરાનો સામનો કરવા માટે ઘણો અસરકારક સાબિત થશે.
એક અહેવાલ અનુસાર, યુએસમાં રાષ્ટ્રપતિ જો બાઇડનની જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથેની બેઠક દરમિયાન કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. જાપાન પાસે હાલમાં બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે, પરંતુ તે હાઈપરસોનિક હથિયારોથી થતા હુમલાને રોકવામાં સક્ષમ નથી.
જાણો બેલિસ્ટિક મિસાઇલ અને હાઇપરસોનિક વચ્ચે શું તફાવત છે?
બેલેસ્ટિક મિસાઇલોની સરખામણીમાં હાઇપરસોનિક મિસાઇલો ગમે ત્યારે પોતાનો રસ્તો બદલી શકે છે. આનાથી હાઇપરસોનિક મિસાઇલોને નિશાન બનાવવી ઘણી મુશ્કેલ બની શકે છે. જયારે બેલેસ્ટિક મિસાઇલો તેમના લક્ષ્ય પર પડતી વખતે અનુમાનિત માર્ગ પર ઉડે છે. હાલમાં ત્રણ દુશ્મન દેશો અમેરિકા અને જાપાન પાસે હાઈપરસોનિક મિસાઈલ છે. જેમાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. જાપાન અને અમેરિકાનો આ ત્રણેય દેશો સાથે અલગ-અલગ મુદ્દે વિવાદ છે.
બાઇડન અને કિશિદા સમિટમાં મળશે
માહિતી અનુસાર મેરીલેન્ડમાં કેમ્પ ડેવિડ ખાતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ સાથે ત્રિપક્ષીય સમિટ દરમિયાન બાઇડન અને કિશિદા મળશે. યુએસ અને જાપાન જાન્યુઆરીમાં સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકન અને રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન અને તેમના જાપાની સમકક્ષ વિદેશ મંત્રી યોશિમાસા હયાશી અને રક્ષા મંત્રી યાસુકાઝુ હમાદા વચ્ચેની બેઠકમાં ઇન્ટરસેપ્ટર વિકસાવવા અંગે વિચારણા કરવા સંમત થયા હતા. આ કરાર મિસાઈલ સંરક્ષણ ટેકનોલોજીમાં આ પ્રકારનો બીજો સહયોગ હશે.