વડોદરામાં વિદેશ જવાની છેલછામાં લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ગઈકાલે માંજલપુરમાં એક કન્સલ્ટન્સીના 3 ડાયરેક્ટરની ધરપકડ કરાઈ હતી, જેમના પર કેનેડા અને આયર્લેન્ડ જવા માટે વર્ક પરમિટ અપાવવાના નામે 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ. 20 કરોડની ઠગાઈ કરી હોવાનો આરોપ છે. જ્યારે આજે વડોદરામાંથી વધુ એક આવી જ ઘટના સામે આવી છે. વિદેશ જવા વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરતા પિતા-પુત્રની ધરપકડ થઈ છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી અમદાવાદના બોપલમાંથી આરોપી રાજેન્દ્ર શાહ અને રિંકેશ શાહની ધરપકડ કરી છે. છેતરપિંડીના આરોપમાં પિતા-પુત્ર 19 જુલાઈથી ફરાર હતા. ઠગબાજ પિતા-પુત્ર પર વિદેશ જવા માટે વિઝા અપાવવાના નામે લોકો પાસેથી કુલ રૂ. 3.05 કરોડ ખંખેરી લેવાનો આરોપ છે.
19 જુલાઈથી બંને આરોપી ફરાર હતા
આ મામલે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ઠગ પિતા-પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, 19 જુલાઈથી બંને આરોપી ફરાર હતા. દરમિયાન વદોડરાની ફતેહગંજ પોલીસને બાતમી મળી કે બંને આરોપી અમદાવાદમાં છુપાયેલા છે. આથી પોલીસની એક ટીમ અમદાવાદના બોપલ પહોંચી હતી અને ઠગબાજ પિતા-પુત્રને ઝડપાયા હતા. તેમના પર કુલ રૂ. 3.05 કરોડની ઠગાઈ કર્યા હોવાનો આરોપ છે.