આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે શુક્રવારે નવા મતદારો, જેઓ તાજેતરમાં 18 વર્ષના થયા છે, તેઓને મતદાર યાદીમાં નોંધણી કરાવવા અને વર્તમાન મતદારોના નામ અપડેટ કરવામાં મદદ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું.
પાર્ટીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સીએમએ શહેરના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રના સોલા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાંથી રાજ્યવ્યાપી ‘મતદાર જાગૃતિ અભિયાન’ શરૂ કર્યું હતું, જ્યારે પાટીલે સુરત શહેરના સચિન વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે.
ભારતીય જનતા પાર્ટીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચારમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મીડિયાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઝુંબેશના ભાગરૂપે ગુજરાતમાં ભાજપના કાર્યકરો તાજેતરમાં 18 વર્ષની વયના લોકોને મતદાર તરીકે નોંધણી કરાવવામાં મદદ કરી રહ્યા છે અને હાલના મતદારોને મતદાર યાદીમાં તેમની વિગતો અપડેટ કરવા માટે દરેક ઘરનો સંપર્ક કરશે.
મુખ્યમંત્રીએ એક ટ્રકને પણ લીલી ઝંડી બતાવી હતી
સીએમ પટેલે જણાવ્યું હતું કે, સરકારને નવા મતદારોની નોંધણી કરવાના અભિયાનમાં મદદ કરવા માટે, ગુજરાત ભાજપે આ મતદાર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. હું તમામ યુવાનોને વિનંતી કરું છું કે જેઓ હવે પ્રથમ વખત મતદાતા છે તેઓ આ ઝુંબેશમાં ભાગ લે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય લોકશાહીને મજબૂત બનાવવામાં મદદ કરે.” મુખ્યમંત્રીએ પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી કરાવવા માટે લોકો દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયા વિશેની માહિતી દર્શાવતી ઝાંખી સાથેની ટ્રકને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ઝાંખી એ પણ સમજાવે છે કે લોકો હાલની મતદાર યાદીમાં રહેણાંકનું સરનામું જેવી તેમની વિગતો કેવી રીતે બદલી અથવા અપડેટ કરી શકે છે. સુરતમાં, પાટીલે પાર્ટી કાર્યકરોને આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં દેશભરમાં 400 બેઠકો જીતવામાં ભાજપને મદદ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવા વિનંતી કરી.