દરેક યુવાનનું સ્વપ્ન હોય છે કે તે દેશના ઉત્થાનમાં જોડાય….ભારત આજે સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે ત્યારે આ યુવાશક્તિ દેશના વિકાસ અને સુરક્ષા કાજે સમર્પિત થાય ત્યારે ભારતને વિશ્વ મહાસત્તા બનતું કોઈ રોકી શકે નહીં. આજના યુવાનોને દેશ સેવા માટે આગળ વધવા માત્ર સાચી દિશા આપનારની જરૂર છે અને આ સાચી દિશા સાથે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી રાજકોટમાં આવી અભ્યાસ હેતુ વસેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજકોટની મહાત્મા ગાંધી છાત્રાલય દ્વારા ભવિષ્ય માટે સાચી દિશા સાથે સંપૂર્ણ માર્ગદર્શન અને આવશ્યક જરૂરિયાતો પૂર્ણ કરી, રાષ્ટ્રના ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરના કાલાવાડ રોડ સ્થિત રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળના મહાત્મા ગાંધી છાત્રાલયમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના વિદ્યાર્થીઓને રહેવા- જમવાની સુવિધા તો મળે જ છે પણ સાથે જ વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્ય માટે વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવવામાં આવે છે. આ માટે અદ્યતન લાઇબ્રેરીની સુવિધા પૂરી પાડી યોગ્ય વાતાવરણ પણ આપવામાં આવે છે. આ છાત્રાલયમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ સરકારી સેવામાં જોડાયા છે. હાલમાં જ આ છાત્રાલયના ૨૧ વિદ્યાર્થીઓ એક સાથે જ એસ.એસ.સી. એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા પાસ કરી સંરક્ષણ ક્ષેત્રના સી.આર.પી.એફ, બી.એસ.એફ.સહિતના સુરક્ષા દળોમાં સેવારત થયા છે.
