નર્મદા નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓએ બજાવેલી ફરજ, ત્વરિત કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જિલ્લામાં નર્મદા નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગના તમામ અધિકારીઓએ બજાવેલી ફરજ, ત્વરિત કામગીરી અને રાત-દિવસ સતત કામગીરીના પગલે અસરગ્રસ્ત વિસ્તારનું જનજીવન ખૂબજ ટૂંકા ગાળામાં પૂર્વવત્ત કરવા બદલ જિલ્લા કલેક્ટરએ તમામ અધિકારીઓને તેમની સફળ કામગીરી બદલ અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિમાં ખડેપગે રહીને પોતાની ફરજ બજાવવા આહવાન કર્યું હતું.
જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લાના નાગરિકોના જનહિતના વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયત સમયમર્યાદામાં બાકી રહેલા કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેક્ટરએ તાકિદ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટર તેવતિયાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકારની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. વધુમાં લોકો તરફથી મળતા પ્રશ્નોનો સમયમર્યાદામાં સંવેદના સાથે નિકાલ કરવા પણ સૂચના આપી હતી. જિલ્લા સંકલન બાદ જિલ્લાની કાયદો, વ્યવસ્થા અને રોડ સેફ્ટી અંગેની પણ સંયુક્ત બેઠક યોજાઈ હતી.