ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ‘VG-2024’ વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું. આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, 2024ના ભાગરૂપે ‘VG-2024’ બ્રોશર લોંચ કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી (ઉદ્યોગ) હર્ષ સંઘવી અને રાજ્ય મંત્રી (MSME) જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા.
તેમના સંબોધન દરમિયાન, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કલ્પના કરવામાં આવી હતી, ત્યારથી તે વ્યૂહાત્મક ભાગીદારી માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી, જેમાં ગુજરાતને ઉદ્યોગ અને વેપારમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાન આપવાનું દ્રઢ વિઝન હતું. વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ત્યારથી જ્ઞાનના આદાન-પ્રદાન અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક પ્રખ્યાત વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ, ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ આધારિત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10-12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાવાની છે. મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ VG 2024 વેબસાઈટ એક વ્યાપક ઓનલાઈન પ્લેટફોર્મ તરીકે છે, જે વ્યક્તિઓ, પ્રતિનિધિમંડળો અને સમિટની ઈવેન્ટ્સમાં ભાગ લેવા ઈચ્છતા રોકાણકારો માટે નોંધણીને સરળ બનાવે છે. વેબસાઇટમાં ગુજરાત સરકારની નીતિઓ, વિવિધ પરિમાણોમાં રાજ્યની કામગીરીનો ડેટા અને સંભવિત રોકાણો અને પ્રોજેક્ટ્સની સૂચનાઓ સમાવેશ થાય છે. VG એપને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે એક ઇમર્સિવ અનુભવ પ્રદાન કરે છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો હેતુ રાજ્યમાં વેપાર અને રોકાણની તકોને પ્રોત્સાહન આપવાનો છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ચેન્નાઈ, ચંદીગઢ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોર સહિતના મુખ્ય ભારતીય શહેરોમાં 11 રાષ્ટ્રીય રોડ-શો ઉપરાંત ગુજરાતની શક્તિ અને રોકાણની સંભાવનાને દર્શાવવા માટે 12 દેશોમાં છ આંતરરાષ્ટ્રીય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે.
2 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર, 2023 સુધી “વાયબ્રન્ટ નવરાત્રિ”!
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે લોકોને જોડવાના ઉદ્દેશ્ય સાથે, રાજ્ય સરકાર વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જોડવા માટે જિલ્લા-સ્તરનું “વાયબ્રન્ટ નવરાત્રિ” ઉત્સવનું પણ આયોજન કરશે, જેમાં MSME, સ્ટાર્ટ-અપ્સ, સ્વ-સહાય જૂથો, મહિલા ઉદ્યોગસાહસિકો, PM વિશ્વકર્મા અને વધુ જોડાશે. આ કાર્યક્રમો રાજ્યના 33 જિલ્લાઓમાં 2 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર, 2023 સુધી ચાલશે, એમ એક સરકારી નિવેદનમાં જણાવાયું છે.