દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયુ ઉજવાઇ રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લાનું વાસણા ચૌધરી ગામ સ્વચ્છતાના સિપાહીઓ માટે પ્રેરણારૂપ બન્યું છે. ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામમાં લોકો વ્યક્તિગત રીતે સ્વચ્છતાના આગ્રહી છે. સ્વચ્છતા માટે ગ્રામ પંચાયત અને ગામના સક્રિય યુવા સરપંચ ઈશ્વરભાઈ પટેલે ગામ લોકોને સાથે લઈને સ્વચ્છતા માટે પ્રેરણા પૂરી પાડી છે. ૭૦૦ જેટલા ઘર ધરાવતા વાસણા ચૌધરી ગામમાં ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ ૨૯૭૮ જેટલી વસતી હોવા છતાં ગામ લોકોના સહિયારા પ્રયાસથી ગામને નિર્મળ બનાવાયું છે. સ્વચ્છતાને કારણે વાસણા ચૌધરી ગામનો વિકાસ ઉડીને આંખે વળગે એવો છે.
આ ગામની વિશેષતા એ છે કે, ગ્રામ પંચાયત દ્વારા વેરો ભરનાર દરેક ગ્રામજનોને બે કચરાપેટી નિશુલ્ક અપાય છે. ગામમાં લોકો ઘરે ઘરે કચરાપેટીનો ઉપયોગ કરીને ભીનો અને સૂકો કચરો અલગ અલગ ભેગો કરે છે. આ ઉપરાંત જાહેર જગ્યાઓ તેમજ માર્ગો પર મોટી કચરાપેટીઓ મૂકવામાં છે. ભેગા થયેલા કચરાને પંચાયત દ્વારા ઇ – રિક્ષા મારફતે રોજ એકત્રિત કરવામાં આવે છે. આ ઘન કચરાના નિકાલ માટે ગામમાં એક જગ્યાએ સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો છે. જ્યાં ઘન કચરાને છૂટો પાડી તેનો યોગ્ય નિકાલ કરાય છે. આ માટે વાસણા ચૌધરી ગ્રામપંચાયતે ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા છે. કચરાનો યોગ્ય નિકાલ થવાથી ગામમાં કયાં સ્વચ્છતા બની રહે છે. આ ઉપરાંત પંચાયત દ્વારા દરેક લોકોના ઘરે કેન્દ્ર સરકારની ‘હર ઘર શૌચાલય’ યોજના અંતર્ગત શૌચાલય બનાવડાવીને ગામને ખુલ્લામાં શૌચ મુકત બનાવવામાં આવ્યું છે.
ગામમાં ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે સુચારું ગટર વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. ગામના ગટરના પાણીને શુદ્ધ કરવા માટે ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. જેમાં ગટરના પાણીને તળાવમાં છોડતા પહેલા ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કર્યા બાદ તળાવમાં છોડવામાં આવે છે જેથી કરીને દૂષિત પાણીજન્ય રોગો થતાં તો અટકે છે પણ તળાવનું પાણી પણ શુદ્ધ રહે છે અને તેના પાણીને ઉપયોગમાં લઈ શકાય છે.
ગામમાં દરેક ઘરે નળ કનેક્શન કરી વડાપ્રધાનશ્રીના “નલ સે જલ”ના વિચારને ૧૦૦% પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. ગામના જાહેર માર્ગો અને ખુલ્લી જગ્યાને સમતલ વ્યવસ્થિત કરી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી છે. જેથી રોડ રસ્તા દરેક જગ્યા સાફ સુથરી રહે છે. ગામના ફળિયાઓમાં આરસીસી રોડ બનાવી મુખ્ય માર્ગ સાથે જોડવામાં આવ્યા. ગ્રામ પંચાયત હસ્તકના એક મકાનમાં ગામલોકોના સહયોગથી પુસ્તકાલય અને વાંચનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં ગામના અભ્યાસ કરતાં યુવાઓ, વડીલો અને ગૃહિણીઓ આરામથી વાંચી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના મકાનને સમારકામ કરી પંચાયતના કર્મચારીઓ અને ગામલોકોને અનુકૂળ બનાવવામાં આવી છે તેમજ પંચાયતની છત પર સોલરગ્રીડ લગાવવામાં આવી છે.
પંચાયત દ્વારા ખુલ્લી કરાયેલ જગ્યા પર પવિત્ર ઉપવન બનાવવામાં આવ્યું છે. આ ઉપવન એક ઉદ્યાનની જેમ તૈયાર કરાયું છે. જ્યાં બાળકો આનંદ પ્રમોદ કરી શકે તે માટે રમતગમતના સાધનો લગાવવામાં આવ્યા છે. ઉપવનમાં બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવીને વનવિભાગના સહયોગથી મિયાવાંકી વન બનાવવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત હસ્તકની ખુલ્લી જગ્યામાં તાર વડે ફેન્સીંગ કરી આઉટડોર રમત માટેનું સરદાર પટેલ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે સાથે સાથે પંચાયતના એક મકાનમાં ઇનડોર રમત માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રમતમાટેના મેદાન આ મેદાન સ્પોર્ટ્સમાં રસ ધરાવનાર બાળકો અને યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ઉપરાંત દરેક વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ નાંખવામાં આવી છે.
ગામના યુવા સરપંચ ઈશ્વરભાઈ પટેલે પોતાના ગામમાં સ્વચ્છતા બાબતે વિશેષ ધ્યાન રાખ્યું છે. આ વિશે જણાવતા તેઓ કહે છે કે ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેજ- ર અંતર્ગત ગામમાં ૧૦૦ ટકા વ્યક્તિગત શૌચાલય બનાવવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ પણ સામૂહિક શૌચાલય બનાવવામાં આવ્યા છે. ગામમાં નિયમિત સફાઇ કરવામાં આવે છે. વધુમાં તેઓ જણાવે છે કે કચરાના નિકાલ માટે સેગ્રીગ્રેશન શેડ તેમજ ગંદા પાણીને શુદ્ધ કરવા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.’
વાસણા ચૌધરી ગામના તલાટી કમ મંત્રી ડી. કે. સોલંકી ગ્રામ પંચાયત દ્વાર સ્વચ્છતા જાગૃતિ માટે કરાયેલા પ્રયાસો અંગે જણાવતા કહે છે કે લોકોને સ્વચ્છતા જાગૃતિ માટે ગામના જાહેર સ્થળોની દીવાલો પર સૂત્રો લખવામાં આવ્યા છે તેમજ ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. વધુમાં તેઓ જણાવે છે કે સ્વચ્છતા માટે ધાર્મિક
સંસ્થાઓને સાથે રાખીને લોકોમાં વ્યક્તિગત જાગૃતિ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ ઉપરાંત ગામના વિવિધ વિસ્તારમાં રાત્રિ સભાઓ કરીને પણ જાગૃતિ લાવવામાં આવી છે. વાસણા ચૌધરી ગામના રહીશ અશોક પટેલ સ્વચ્છતા માટે પંચાયત દ્વારા થઈ કાર્યોની સરાહના કરતાં જણાવે છે કે પંચાયત દ્વારા ઘરે ઘરે કચરાપેટી આપવામાં આવેલી છે. ગ્રામજનોની જાગૃતિના કારણે ગામના જાહેર ચોકમાં જે લોકો કચરો નાખતા હતા તેની જગ્યાએ હવે કચરાપેટીમાં નાંખતા થયા છે. વધુમાં તેઓ જણાવે છેકે ગામના ચોક અને રસ્તાઓની નિયમિત સફાઇ કરવામાં આવે છે. જેના કારણે ગામની સફાઇ જળવાઈ રહે છે. સ્વચ્છતાને લીધે ગામ લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે. વાસણા ચૌધરી ગામની સુવિધાઓ અને વ્યવસ્થાપન અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે. આ ગામે સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, રમતગમત, પર્યાવરણ અને સહયોગના ક્ષેત્રે સરાહનીય કાર્ય કર્યું છે.
‘’ગામના ૧૫ થી ૧૭ ઘરોમાં સરકારી યોજનાની સહાય થકી ગોબરગેસ પ્લાન્ટ શરૂ કરાયો છે,જ્યારે અન્ય પાંચ સાત ઘરોને ગોબરગેસ પ્લાન્ટની મંજુરી પણ મળી ગઈ છે’’ તેમ જણાવતા ગામના સરપંચશ્રી કહે છે કે..આ પ્લાન્ટના કારણે ગામની ભાગોળે થતા છાણના ઉકરડા પણ હવે નથી અને રાંધણ ગેસ પણ મળી રહેતા સરકારશ્રીની ગોબરધન યોજના પણ આશિર્વાદરૂપ બની છે.
ગાંધીનગર જિલ્લાની પ્રજા આમ પણ સ્વચ્છતાની બાબતમાં હંમેશા જાગૃત રહી છે. એટલે જ ગાંધીનગર જિલ્લાને તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩માં ‘થ્રી સ્ટાર’ની શ્રેણીમાં સમાવવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના ગામડાંમાં વસતા લોકો પણ સામૂહિક રીતે આગળ આવીને સ્વચ્છતાના મહત્વને સમજ્યા છે. ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ સૂત્રને વરેલા ભારત દેશના જન જને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સ્વચ્છ ભારત અભિયાન’ના આહ્વાનને ઝીલીને ઘરે ઘરે સ્વચ્છતાની જ્યોત જગાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આદર્શો અને સ્વચ્છતા અંગેના વિચારોને લોકો સુધી પહોંચાડ્યા છે. એમના પ્રયાસોને લીધે જ ભારત આજે ખુલ્લામાં શૌચ મુક્ત દેશ બન્યો છે.