ભારતમાં લોકો દર વર્ષે હજારો ટન સોનું ખરીદે છે. ભારતમાં સોનાની આ જંગી માગને પહોંચી વળવા માટે બહારથી સોનું આયાત કરવાની ફરજ પડે છે. જ્યારે હવે ટૂંક સમયમાં આ સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે દેશમાં જ સોનાનું ઉત્પાદન શરૂ થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. દેશની પ્રથમ ખાનગી સોનાની ખાણ ટૂંક સમયમાં સંપૂર્ણ પાયે ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે.
પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ભારતની પ્રથમ મોટી સોનાની ખાણમાં ઉત્પાદન આવતા વર્ષે શરૂ થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જોનાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં આગામી વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર, 2024 સુધીમાં સંપૂર્ણ પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે. હાલમાં પ્રાયોગિક ધોરણે કામગીરી ચાલી રહી છે.
આટલું થશે વાર્ષિક ઉત્પાદન!
મીડિયા રિપોર્ટ્સ મુજબ, જોનાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં એકવાર પૂર્ણ ધોરણે ઉત્પાદન શરૂ થઈ જશે, તો દર વર્ષે લગભગ 750 કિલો સોનું ઉત્પાદન થઈ શકે છે. અત્યાર સુધીમાં આ ખાણમાં આશરે રૂ.200 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને હાલમાં દર મહિને લગભગ એક કિલો સોનું ત્યાં ઉત્પન્ન થઈ રહ્યું છે. ખાણમાં બાંધકામનું કામ ઝડપી ચાલી રહ્યું છે અને આશા છે કે આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં સંપૂર્ણ પાયે ઉત્પાદન શરૂ થઈ શકે છે.
એકમાત્ર લિસ્ટેડ કંપની
આ સોનાની ખાણો આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના તુગ્ગલી મંડલમમાં અને જોનાગીરી, પાગદીરાઈ અને એરાગુડી ગામોની આસપાસ આવેલી છે. આ ખાણને વર્ષ 2013માં મંજૂરી આપવામાં આવી હતી. ત્યાં સોનું શોધવામાં કંપનીને 8-10 વર્ષ લાગ્યાં. જોનાગીરી ગોલ્ડ માઈન્સ જીઓમીસોર સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહી છે, જેમાં ડેક્કન ગોલ્ડ માઈન્સ લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે. જે દેશની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર ગોલ્ડ એક્સ્પ્લોરેશન કંપની છે જે BSE પર લિસ્ટેડ છે.