મહારાષ્ટ્રમાં સરકારે છોકરીઓ માટે ‘લેક લાડકી સ્કીમ’ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ યોજના 1 એપ્રિલ, 2023થી લાગૂ કરવામાં આવશે. માર્ચમાં બજેટ સત્ર દરમિયાન જાહેર કરાયેલી આ યોજના હેઠળ છોકરીઓને જન્મથી જ આર્થિક સહાય આપવામાં આવશે. શિવસેનાના નેતા મનીષા કાયંદેએ કહ્યું કે, આ સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળકીના જન્મના સમયથી જ તેને આર્થિક મદદ કરવામાં આવે. આવતા સપ્તાહથી, અમે નવરાત્રિની ઉજવણી કરીશું અને દેવી દુર્ગાની દૈવી શક્તિનું સન્માન કરીશું.
વિવિધ તબક્કામાં મળશે રૂપિયા
આ યોજના હેઠળ, સરકારનો ઉદ્દેશ્ય નારંગી અને પીળા રાશન કાર્ડ ધરાવતા ગરીબ પરિવારોને મદદ કરવાનો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં રૂ. 15 હજારથી લઈને રૂ. 1 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને નારંગી રેશન કાર્ડ આપવામાં આવે છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં રૂ. 15 હજાર કમાતા લોકોને પીળા રેશન કાર્ડ આપવામાં આવે છે. શરૂઆતમાં, યોજના હેઠળ, છોકરીના જન્મ પર પરિવારને રૂ. 5 હજારની આર્થિક સહાય આપવામાં આવશે. બીજી વખત, જ્યારે છોકરી ધોરણ 1માં આવશે ત્યારે પરિવારને રૂ. 6 હજાર અને જ્યારે તે ધો.6 માં આવશે, ત્યારે રૂ. 7 હજાર આપવામાં આવશે.
18 વર્ષની ઉંમરે મળશે આટલા રૂપિયા
તેવી જ રીતે ધોરણ 9માં એડમિશન લેવા પર રૂ. 8 હજાર અને 18 વર્ષની ઉંમરે પહોંચવા પર રૂ. 75 હજાર આપવામાં આવશે. એટલે કે, યોજના હેઠળ, છોકરી અને તેના પરિવારને કુલ 1,01,000 રૂપિયા મળશે. મહારાષ્ટ્રના આર્થિક સર્વેક્ષણ 2023 મુજબ, 2.56 કરોડ પરિવારો પાસે રાશન કાર્ડ છે. તેમાંથી 1.71 કરોડ નારંગી કાર્ડ ધારકો છે અને 62.60 લાખ પીળા રેશનકાર્ડ ધારકો છે. આ પરિવારોને યોજના હેઠળ લાભ મળશે.