ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપ 2023માં પ્રથમ જીત નોંધાવવા પર ખુશી વ્યક્ત કરી હતી અને તેના બોલરોની પ્રશંસા કરી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોએ સોમવારે રમાયેલી મેચમાં શ્રીલંકાને સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવા દીધો નહોતો. કુસલ પરેરા (78) અને પથુમ નિસાંકા (61) વચ્ચે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારીની મદદથી શ્રીલંકા એક સમયે મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ અંતે શ્રીલંકાની આખી ટીમ 209 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોએ શાનદાર બોલિંગ કરી શ્રીલંકાને મોટા સ્કોર તરફ જતા રોક્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 88 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીત મેળવી હતી.
પ્રથમ જીત બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ખુશી
પેટ કમિન્સે મેચ બાદ કહ્યું, ‘શ્રીલંકાની શરૂઆત ખૂબ જ સારી રહી હતી, પરંતુ અમારા બોલરોએ જે રીતે બોલિંગ કરી અને તેમની ભૂમિકા સારી રીતે ભજવી, તેમનો પ્રયાસ શાનદાર હતો. અમે ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું. આશા છે કે અમે આગામી મેચોમાં પણ આ ચાલુ રાખીશું.’ શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે કહ્યું કે, જો તેની ટીમે 290-300નો સ્કોર કર્યો હોત તો પરિણામ અલગ હોત.
કુસલ મેન્ડિસે વધુમાં કહ્યું કે, અમે સારી શરૂઆત કરી હતી, પરંતુ અમારા મિડલ ઓર્ડરનું પર્ફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું. જો અમે 290 કે 300 રન બનાવ્યા હોત તો આ પિચ પર સારો સ્કોર હોત. અમે સ્ટ્રાઈક ફેરવી શક્યા ન હતા અને અમે ઘણા બધા બોલને ખાલી જવા દીધા હતા. મને મારા બેટ્સમેનોમાં વિશ્વાસ છે અને આશા છે કે તેઓ ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે.’ જણાવી દઈએ કે આ મેચમાં ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાએ ચાર વિકેટ લીધી હતી અને તેને મેચનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.