ગુજરાત: તારીખ ૨૨/૧૧/૨૦૨૨, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બંને તબક્કાના આખરી લડત લડવા માટેની અંતિમ યાદી ચૂંટણી કમિશન દ્વારા જાહેર કર્યા બાદ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે. આપને જણાવી ગતરોજ બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 279 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે.
વિગતવાર વાત કરીએ તો પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આ ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં 363 ઉમેદવારી ફોર્મ રદ્દ કરાયા હતા. જ્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે 211 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા હતા. હાલ પ્રથમ તબક્કાની 89 બેઠકો પરના 788 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે. પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
બીજા તબક્કાની 93 બેઠકો અંગે વિગતવાર વાત કરીએ તો બીજા તબક્કા માટે પક્ષ-અપક્ષ સહિત કુલ 1515 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીમાં 403 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા હતા. જ્યારે બીજા તબક્કા માટે 279 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. જેથી બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.
હવે ગુજરાતનું સિંહાસન કોણ જીતશે તે બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે ત્યારેજ ખબર પડશે.
પ્રેસ નોટ માટે: gujaratpaheredar@gmail.com