ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના પહાડી વિસ્તારમાં આવેલા સિઆનજુર શહેરની નજીક હતું. સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા અને ઘર છોડીને રસ્તાઓ પર ભાગવા મજબૂર બન્યા હતા. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ
ઈન્ડોનેશિયાની ધરતી ફરી એકવાર મોટી તીવ્રતા સાથે ધ્રુજી ઉઠી છે. દેશની રાજધાની જાકાર્તામાં સોમવારે ભૂકંપના આંચકામાં અનુભવાયા હતા, જેમાં અહીની મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ. આ ભૂકંપને લીધે અત્યાર સુધીમાં 162 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જયારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા 5.6 હતી. હજુ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો દટાયા છે. ભૂકંપ બાદ કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે બચાવકર્મીઓ મંગળવારે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય કરી રહ્યા છે.
ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના પહાડી વિસ્તારમાં આવેલા સિઆનજુર શહેરની નજીક હતું. સોમવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ભયભીત થઈ ગયા અને ઘર છોડીને રસ્તાઓ પર ભાગવા મજબૂર બન્યા હતા. ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી થઈ ગઈ. સિયાનજુરમાં હોસ્પિટલનું પાર્કિંગ આખી રાત ઘાયલોથી ભરાયેલું રહ્યું, કેટલાકને કામચલાઉ ટેન્ટમાં સારવાર આપવામાં આવી. અન્યને ફૂટપાથ પર બોટલો ચઢાવવામાં આવી. જ્યારે આરોગ્ય કર્મચારીઓએ ટોર્ચના પ્રકાશમાં દર્દીઓને ટાંકા લગાવ્યા હતા.
હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં સારવાર લઈ રહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે અચાનક જ ભૂકંપના આંચકામાં ઈમારત તૂટી પડી અને બધું ધરાશાયી થઈ ગયું. હું કચડાઈ ગયો. મારા બે બાળકો બચી ગયા, મેં કોઈક રીતે બંનેને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ આવ્યો. એક હજુ લાપતા છે.
રાષ્ટ્રીય પોલીસના પ્રવક્તા ડેડી પ્રસેત્યોએ જણાવ્યું કે સેંકડો પોલીસ અધિકારીઓ મંગળવારે સવારે બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા. આજે મુખ્ય કાર્ય ફક્ત પીડિતોને કાટમાળમાંથી બહાર કાઢવાનું છે. પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું હતું કે સોમવારના ભૂકંપમાં ઓછામાં ઓછા 162 લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકો હતા અને 300 થી વધુ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોની સંખ્યા અને મૃત્યુઆંક વધી શકે છે.
રાષ્ટ્રીય આપત્તિ એજન્સી (BNPB) એ કહ્યું કે તેમણે 62 મૃત્યુની પુષ્ટિ કરી છે, પરંતુ વધારાના 100 પીડિતોની પુષ્ટિ કરી શકી નથી. મંગળવારે અધિકારીઓ કુગેનાંગ વિસ્તારમાં પહોંચવાનું કામ કરી રહ્યા હતા. અહીં ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
BNPBએ જણાવ્યું હતું કે ભૂકંપ રાજધાની જાકાર્તામાં લગભગ 75 કિમી દૂર અનુભવાયો હતો. ઓછામાં ઓછા 2,200 ઘરોને નુકસાન થયું હતું અને 5,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. વર્ષ 2004માં, ઉત્તર ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર 9.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે 14 દેશોને અસર કરી હતી. હિંદ મહાસાગરના કિનારે 226,000 લોકો માર્યા ગયા, જેમાંથી અડધાથી વધુ ઇન્ડોનેશિયન હતા.