જિલ્લામાં વાહનોના અકસ્માતમાં ઘટાડો થાય તે હેતુસર જિલ્લાના વાહન વ્યવહાર, પોલીસ અને સંબધિત વિભાગોની જિલ્લાની માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા શહેર/જિલ્લામાં આવેલા વિવિધ ધોરીમાર્ગો, ડુંગરાળ વિસ્તારોમાં માર્ગો અને પુલોની સલામતી જાળવવા જરૂરી સુધારણા, ધોરીમાર્ગોની નજીક આવેલ તળાવ, કેનાલ વગેરેના કિનારે બેરીકેંડિગ કરવા તેમજ જિલ્લામાં નવા બની રહેલા માર્ગો પર વર્ક-ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવવા માટે તથા અકસ્માતો નિવારવા માટે બિન અધિકૃત ગેપ બંધ કરવા, નેશનલ હાઇવે, માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગને,ટ્રાફિક નિયમોના અમલીકરણ, વાહનોમાં મુસાફરો/શાળાના બાળકોનું ક્ષમતા કરતા વધુ પરિવહન અંગે, રોગ સાઇડ ડ્રાઇવીંગ અને વાહનો દ્વારા થતા ઓવરસ્પીડીંગ ઉપર નિયંત્રણ માટે પોલીસ અને આર. ટી. ઓ. એ સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર અકસ્માતોની સંભાવનાવાળા બ્લેક સ્પોટોની વિગતો મુજબ વલસાડના ખોડીયાર હોટલની સામે, ધરમપુર બ્રીજ, અતુલ ફર્સ્ટગેટ, સુગર ફેકટરી, ગુંદલાવ બ્રીજ, ચણવઇ બ્રીજ, ધમડાચી પીરૂ ફળિયા, સોનવાડા બોર્ડ સ્વામી નારાયણ મંદિર, ડુંગરી રોલા બોર્ડ, વાઘલધરા ડુંગરી, કુંડી ઓવરબ્રીજ, પારડી તાલુકાના ખડકી રેમન્ડ ફેકટરી પાસે, દમણીઝાંપા, મોતીવાડા ચાર રસ્તા, વલ્લભ આશ્રમ સ્કૂલ, વાપી ટાઉનના બલીઠા બ્રહ્મદેવ મંદિરની સામે, વાપી જી. આઇ. ડી. સી. ના વૈશાલી ઓવરબ્રીજ, ડુંગરાના સ્ટેટ હાઇવે નં- ૫૬ ના વાપી- નાનાપોંઢા રોડ, ભિલાડના તલવાડા ચાર રસ્તા ક્રોસીંગ, ભીલાડ આર. ટી. ઓ., ભીલાડ રેલવે ફાટક, હનુમાનજી મંદિર સામે ભીલાડ, કરમબેલા જલારામ મંદિર સામે અને મોહનગામ ફાટક ક્રોસીંગ પાસેના બ્લેક પોસ્ટોનું પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરીટી તેમજ સંબધિત વિભાગોએ સંયુકત રીતે સ્થળ નીરીક્ષણ કરી બ્લેક સ્પોટમાં જે જરૂરી સુધારા- વધારા કરવા જરૂરી હોય તે કરવા માટે જિલ્લા કલેકટરએ જરૂરી સૂચના આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ર્ડા. રાજદીપસિંહ ઝાલાએ વલસાડ નગરપાલિકાના વિસ્તારના દબાણો દૂર કરવા બાબતે તેમજ સીવીલ હોસ્પિટલ ખાતે ૧૦૮ એમબ્યુલન્સ વિના અવરોધે પસાર થઇ શકે તે માટે સીવીલ હોસ્પિટલ પાસેના દબાણ પણ પોલીસતંત્ર દ્વારા નગરપાલિકા સાથે મળી દૂર કરવામાં આવશે એમ તેમણે બેઠકમાં જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ર્ડા રાજદીપસિ઼હ ઝાલા, નિવાસી અધિક કલેકટર શ્રીમતી એ. આર. જહા, નાયબ પોલીસ અધિક્ષકો સર્વ એ. કે. વર્મા, આર. ડી. ફળદુ અને બી. એન. દવે, ઇનચાર્જ આર. ટી. ઓ. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન. એન. પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના પ્રતિનિધિ, નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રતિનિધિ તેમજ જિલ્લાની વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો, દ. ગુ. વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર તેમજ સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.