પાકિસ્તાની અર્થવ્યવસ્થા પતનને આરે આવીને ઉભી છે. પાકિસ્તાન સરકાર દુનિયાભરના દેશો સામે હાથ લંબાવીને મદદની ભીખ માંગી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર અર્થવ્યવસ્થાને બચાવવા માટે સતત લોનની માંગ કરી રહ્યા છે
પૈસાની અછતને કારણે પાકિસ્તાનમાં ધંધો કરવો મુશ્કેલ
આ અહેવાલ મુજબ, બ્લેકઆઉટ અને વિદેશી હૂંડિયામણની તીવ્ર અછતને કારણે પાકિસ્તાનમાં વ્યવસાયિક કામગીરી ચાલુ રાખવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પાકિસ્તાનના બંદરો વિદેશથી આવેલા કન્ટેનરથી ભરેલા છે. પરંતુ, ખરીદદારો પાસે ચુકવણી કરવા માટે ડોલરમાં પૈસા નથી. પાકિસ્તાન સરકારે વિદેશી હૂંડિયામણ જાળવી રાખવા માટે ડોલરમાં ચૂકવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેના કારણે પાકિસ્તાનમાં સપ્લાય ચેઈન અટકી જવાની શક્યતા વધી રહી છે. પાકિસ્તાન કપડાં, દવાઓ સહિત ખાદ્ય ચીજોની વિદેશથી આયાત કરે છે.
વિદેશી એરલાઈન્સે પાકિસ્તાનમાં કામગીરી બંધ કરવાની ધમકી આપી
વિદેશી એરલાઇન્સ અને તેમના સંલગ્ન સંગઠનો ઘટતા વિદેશી હૂંડિયામણના ભંડારને જાળવી રાખવા માટે ડોલરની ચૂકવણી પર પ્રતિબંધને કારણે પાકિસ્તાનમાં કામગીરી બંધ કરવાની ધમકી આપી રહ્યા છે. દરમિયાન, ઉર્જા સંકટ પાકિસ્તાન માટે નવા મોરચે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાની અધિકારીઓએ વીજળી બચાવવા માટે ઘણી ટેક્સટાઇલ મિલોને બંધ કરી દીધી છે અને બાકીના કામના કલાકોમાં ઘટાડો કર્યો છે. પાકિસ્તાન સોમવારે 12 કલાકથી વધુ સમય સુધી અંધકારમાં ડૂબેલું રહ્યું હતું.
પાકિસ્તાન ક્યારે નાદાર થશે
મેક્રો ઇકોનોમિક ઇનસાઇટ્સના સ્થાપક, સાકિબ શેરાનીએ જણાવ્યું હતું કે પહેલેથી જ ઘણા બધા ઉદ્યોગો બંધ થઈ ગયા છે, અને જો તે ઉદ્યોગો ટૂંક સમયમાં ફરી શરૂ નહીં થાય, તો કેટલાક નુકસાન કાયમી રહેશે. રિપોર્ટમાં વિશ્લેષકોને ટાંકીને કહેવામા આવ્યું છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અસ્થિર થઈ રહી છે અને જો સ્થિતિ યથાવત્ રહેશે તો શ્રીલંકા જેવી પરિસ્થિતિમાં પરિણમી શકે છે. રિપોર્ટમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પાકિસ્તાન મે મહિનામાં ડિફોલ્ટ થઈ શકે છે.