સહજ્યોગ સંસ્થા દ્વારા અમદાવાદના આંગણે “ધ્યાનયોગ” કાર્યક્રમનું ભવ્ય આયોજન
અમદાવાદઃ આપ સૌ જાણો છો કે પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવી દ્વારા ૧૯૭૦માં સ્થાપિત સહજયોગ કોગ્નિટિવ સાઈન્સ પર આધારિત યોગ છે અને તેના સાધકો સહજયોગ ધ્યાનના પ્રચાર અને પ્રસાર માટે વિશ્વભરમાં કાર્યરત છે. ઉલ્લેખનિય છે કે ‘સહજયોગ NGO’ માનવજાતિના હિત માટે ૧૪૦થી વધુ દેશોમાં કાર્યરત છે અને સંપૂર્ણ વિશ્વમાં ધ્યાનયોગ માટે જાણીતું બનેલું છે.
લોકોને યોગનો પ્રકાશ બતાવવાના ઉદ્દેશથી સહજયોગ ધ્યાન સંસ્થાન દ્વારા અમદાવાદના સ્થળ – સ્વરકાર શ્રી ક્ષેમુ, વસ્ત્રાપુર એમ્ફીથિયેટર ખાતે તારીખ ૨૧મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ કલાકે “યોગધારા” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદની વેજલપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહેવાના છે સાથે સૌથી આનંદની વાત એ છે કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ કાર્યક્રમ માટે પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવીને યોગધારા કાર્યક્રમન પ્રશંસા કરી છે. પરંતુ મુખ્યમંત્રીશ્રી આ વખતે બજેટ ૨૦૨૩ના કારણે કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં.
આ કાર્યક્રમમાં ૧૫થી વધુ દેશોના ૪૦થી વધુ કલાકારો આવનાર છે અને તેવો ભારતીય શાસ્ત્રીય સંગીત, વાદ્ય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા યોગ અને ધ્યાન સાથે આત્મ-સાક્ષાત્કારનો અનુભવ કરાવશે. ઉલ્લેખનિય છે કે આ તમામ સાધકો પોતાના ખર્ચે ભારત આવ્યા છે અને અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમજ ધ્યાનયોગમાં સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. જેમાં ડોકટરો, એન્જીનીયરો, સંગીતકારો, ગાયકો, શિક્ષકો વગેરેનો સમાવેશ થાય છે, જેઓ બે મહિનાના તેમના વ્યસ્ત કામમાંથી સમય કાઢીને યોગધારા કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવા ભારતમાં રહે છે. આ સાધકો ઈટાલી, જર્મની, કેનેડા, રોમાનિયા, હંગેરી, તાઈવાન, ઓસ્ટ્રેલિયા, રશિયા, યુકે, લંડન, ફ્રાન્સ, આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ચેક રિપબ્લિક, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી ભારત પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ યોગધારા ભારતના ૧૩ રાજ્યોના ૩૩ અલગ-અલગ શહેરોમાં ૪૦ કાર્યક્રમોનું આયોજન કરવામાં છે. યોગધારા કાર્યક્રમ ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ થી ૨૩મી માર્ચ ૨૦૨૩ દરમિયાન યોજાશે. ૨૩મી જાન્યુઆરીથી અત્યાર સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ચંદીગઢ, રાજસ્થાનમાં કાર્યક્રમો યોજાયા છે.
તેના સમગ્ર શેડ્યૂલ વિશે વાત કરીએ તો યોગધારાની ટીમ ૨૦મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ઉદયપુરથી ગાંધીનગર પહોંચશે. આ કાર્યક્રમ ૨૦મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ થી ૯ દરમિયાન રંગમંચ થિયેટર, સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે યોજાશે. બીજા દિવસે એટલે કે ૨૧મી ફેબ્રુઆરીએ સાંજે ૭ કલાકે વસ્ત્રાપુર એમ્ફીથિયેટર ખાતે સાંજે ૭ થી ૯ દરમિયાન કાર્યક્રમ યોજાશે, કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહેશે. ૨૨મી ફેબ્રુઆરીએ સવારે તમામ કલાકારો અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે લેશે. ગાંધી આશ્રમ જવાનો હેતુ એ છે કે તેઓ ગાંધીજીના સંસ્મરણોથી પરિચિત થવા માંગે છે. ત્યારબાદ તમામ કલાકારો ગાંધી આશ્રમથી લીંબડી જવા રવાના થશે.
આપણી સંસ્કૃતિને લોકો સુધી લઈ જાઓ. ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ લઈ જવા અને નવી પેઢીને આપણા અમૂલ્ય વારસાથી વાકેફ કરવા માટે યોગધારા કાર્યક્રમમાં તમામ નાગરિકોને નિશુલ્ક આમંત્રિત કરવામાં આવ્યા છે. તેવી માહિતી સંસ્થાના કાર્યકર એમ કે. રામચંદ્રન – 94279 52027, ગણેશ આહિરે – 89804 55800 અને પરાશર રાવલ – 99989 31540 દ્વારા આપવામાં આવેલ છે.
ન્યૂઝ બ્યુરો: ગુજરાત પહેરેદાર,
અમદાવાદ