દરિયાકાંઠાના પાણીમાં નિયમિત પેટ્રોલિંગ કરશે. આ પેટ્રોલિંગ ભારતીય કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને કસ્ટમ્સ સાથે સંકલન કરીને કરવામાં આવશે.
ગુજરાતના દરિયાકાંઠે ડોલ્ફિન અને શાર્કનો શિકાર કરવાના આરોપમાં તાજેતરમાં અન્ય રાજ્યોના દસ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. તેના થોડા દિવસો બાદ રાજ્યના વન વિભાગે દરિયાકાંઠાના પાણીમાં નિયમિત પેટ્રોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વન મંત્રી મુળુભાઈ બેરાએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, આ પેટ્રોલિંગ ભારતીય કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને કસ્ટમ્સ સાથે સંકલન કરીને કામગિરી કરવામાં આવશે.
વિધાનસભામાં પ્રશ્નોતરીકાળમાં આ વિગત આવી સામે
તાકીદના જાહેર મહત્વની બાબતોને લગતી વિધાનસભાના નિયમ 116 હેઠળ, કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જાણવા માંગ્યું કે રાજ્ય સરકાર વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 હેઠળ શાર્ક અને ડોલ્ફિનને બચાવવા માટે શું પગલાં લઈ રહી છે. તેમના જવાબમાં મંત્રી બેરાએ જણાવ્યું હતું કે 15 માર્ચે પોરબંદરના દરિયાકાંઠેથી કુલ દસ માછીમારો, તામિલનાડુના પાંચ, કેરળ અને આસામના બે-બે અને ઓડિશાના એક માછીમારો તેમની પાસેથી 22 મૃત ડોલ્ફિન અને ચાર બુલ શાર્ક પકડાઈ હતી. તેમની બોટ જપ્ત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ માછીમારો તામિલનાડુમાં રજિસ્ટર્ડ તેમની બોટમાં 26 ફેબ્રુઆરીના રોજ કેરળના કોચી બંદરથી નીકળ્યા હતા.
કાયદા હેઠળ આ પ્રજાતિઓની માછીમારી પર પ્રતિબંધ
એક સૂચનાના આધારે, ગુજરાત વન વિભાગે, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને, પોરબંદરથી લગભગ 12 નોટિકલ માઇલ દૂર, 15 માર્ચે બોટને અટકાવી હતી અને બોટમાંથી ડોલ્ફિન અને શાર્ક મળી આવ્યા હતા. મંત્રીએ કહ્યું કે માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેઓ તમામ ન્યાયિક કસ્ટડીમાં છે. કાયદા હેઠળ આ પ્રજાતિઓની માછીમારી પર પ્રતિબંધ છે. બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં માછીમારો સ્વેચ્છાએ ડોલ્ફિન અને અન્ય સંરક્ષિત દરિયાઈ પ્રજાતિઓને પકડવાનું ટાળે છે.