પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચુકી છે. આઝાદી પછી અત્યારે પાકિસ્તાનની સ્થિતિ હાલમાં સૌથી ખરાબ છે. મોંઘવારી આસમાને છે અને દેશ જંગી દેવાના બોજા હેઠળ દબાઈ ચુકેલો છે. પાકિસ્તાન પર નાદાર થવાનો ખતરો સતત તોળાઈ રહ્યો છે અને કોઈ પણ દેશ કે આઈએમએફ પણ તેને મદદ કરવા તૈયાર નથી. જંગી દેવા તળે દબાયેલા આ દેશ માટે દરરોજ સ્થિતિ વિસ્ફોટક બની રહી છે.
દરમિયાન, એક અમેરિકન રિસર્ચ ફર્મ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ખરેખર ચોંકાવનારા છે. રિસર્ચ ફર્મે જણાવ્યું છે કે પાકિસ્તાન પર એટલું દેવું છે કે તેને ચૂકવવા માટે તેની એક ક્વાર્ટર અર્થાત્ 25 ટકા અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. જયારે આગામી ત્રણ વર્ષમાં, પાકિસ્તાને તેના મિત્રો સાઉદી અરેબિયા અને ચીન સિવાય ઘણા ખાનગી ધિરાણકર્તાઓનું દેવું ચૂકવવાનું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ (USIP), જે યુએસ સ્થિત એક અગ્રણી સંશોધન સંસ્થા છે, તેણે ગુરુવારે પ્રકાશિત એક વિશ્લેષણમાં ચેતવણી આપી હતી કે પાકિસ્તાને એપ્રિલ 2023 થી જૂન 2026 વચ્ચે 77.5 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવું પડશે. તેથી રોકડ-સંકટગ્રસ્ત દેશ નાદારીના વાસ્તવિક જોખમમાં છે અને વિક્ષેપકારક અસરોનો સામનો કરી શકે છે.
એક પાકિસ્તાની અખબારે યુએસઆઈપીને ટાંકીને અહેવાલ આપ્યો કે, આસમાની મોંઘવારી, રાજકીય ઝઘડા અને વધતા આતંકવાદની વચ્ચે મોટા પાયે વિદેશી દેવાની જવાબદારીઓને કારણે પાકિસ્તાન નાદારીનાં જોખમનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન હાલમાં ઉચ્ચ બાહ્ય દેવું, નબળા સ્થાનિક ચલણ અને ઘટતા વિદેશી હૂંડિયામણ ભંડારથી ઝઝૂમી રહ્યું છે.
USIP એ પોતાના અહેવાલમાં કહ્યું કે એપ્રિલ 2023 થી જૂન 2026 સુધીમાં, પાકિસ્તાને $77.5 બિલિયનનું વિદેશી દેવું ચૂકવવું પડશે, જે $350 બિલિયનની અર્થવ્યવસ્થા માટે “મોટી રકમ” છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો પાકિસ્તાન આ જવાબદારીમાં ડિફોલ્ટ કરે છે, તો તેને “વિક્ષેપકારક અસરો” નો સામનો કરવો પડશે.