ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ માર્ચ ક્વાર્ટર દરમિયાન અદાણી જૂથની 4 કંપનીઓમાં તેનું રોકાણ વધાર્યું છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. એલઆઈસીએ આ રોકાણ એવા સમયે વધાર્યું છે જ્યારે અદાણી ગ્રૂપ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ વિવાદોનો સામનો કરી રહ્યું છે. 24મી જાન્યુઆરીના રોજ આ રિપોર્ટ જાહેર થયો ત્યારથી અદાણી ગ્રુપના ઘણા શેરોમાં 50 થી 80 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ કારણે અદાણી ગ્રૂપમાં રોકાણ કરતી ઘણી સ્થાનિક સંસ્થાઓએ તેમના રોકાણ અંગે સ્ટેટમેન્ટ જારી કરીને માહિતી આપવી પડી હતી. વિરોધ પક્ષોએ અદાણી ગ્રૂપમાં LIC સહિતની કેટલીક સ્થાનિક સંસ્થાઓના રોકાણનો પણ વિરોધ કર્યો હતો.
માહિતી અનુસાર, એલઆઈસીએ માર્ચ ક્વાર્ટરમાં અદાણી ગ્રુપની 4 કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશનમાં તેનો હિસ્સો વધાર્યો છે. આ સિવાય એલઆઈસીએ અદાણી ગ્રુપની 2 કંપનીઓમાં પોતાનો હિસ્સો પણ ઘટાડી દીધો છે. જેમાં અંબુજા સિમેન્ટ્સ અને અદાણી પોર્ટનો સમાવેશ થાય છે.
LIC માર્ચ ક્વાર્ટરના અંતે અદાણી ગ્રીન એનર્જીમાં 2,14,70,716 શેર અથવા 1.36 ટકા હિસ્સો ધરાવે છે. આ ડિસેમ્બર ક્વાર્ટર કરતાં 0.08 ટકા વધુ છે. LIC ડિસેમ્બર ક્વાર્ટરના અંતે અદાણી ગ્રીન એનર્જીમાં 2,03,09,080 શેર અથવા 1.28 ટકા હિસ્સો ધરાવે છે.
એ જ રીતે, LIC માર્ચ ક્વાર્ટરના અંતે અદાણી ટોટલ ગેસમાં 6,62,00,032 શેર અથવા 6.02 ટકા હિસ્સો ધરાવે છે. આ ડિસેમ્બર ક્વાર્ટર કરતાં 0.06 ટકા વધુ છે. ડિસેમ્બર ક્વાર્ટરના અંતે LIC પાસે અદાણી ગ્રીન એનર્જીમાં 6,55,88,170 શેર અથવા 5.96 ટકા હિસ્સો હતો.
LIC એ માર્ચ ક્વાર્ટર દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ટ્રાન્સમિશન બંનેમાં તેનો હિસ્સો 0.03 ટકા વધાર્યો હતો. એલઆઈસીએ અદાણી એન્ટરપ્રાઈઝમાં તેનો હિસ્સો માર્ચ ક્વાર્ટરમાં 4.23 ટકાથી વધારીને 4.26 ટકા કર્યો છે. તે જ સમયે, અદાણી ટ્રાન્સમિશનમાં તેનો હિસ્સો 3.65 ટકાથી વધીને 3.68 ટકા થયો છે.