વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સૌરાષ્ટ્ર-તમિલ સંગમના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ સૌરાષ્ટ્ર-તમિલ સંગમના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના હતા, પરંતુ વિદેશી પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત અને કર્ણાટકની ચૂંટણીને લઈને વ્યસ્તતાના કારણે પીએમ હવે 26 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર પણ સોમનાથ મંદિરની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. હવે ઉદ્ઘાટન સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર રહેશે. તમિલનાડુ અને સૌરાષ્ટ્ર વચ્ચે સાંસ્કૃતિક જોડાણને કારણે આ સંગમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં તમિલનાડુથી હજારો લોકો આવવાની શક્યતા છે. આ બધા એવા લોકો છે જેઓ સેંકડો વર્ષો પહેલા સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. મુઘલોના આક્રમણ પછી તેઓ સૌરાષ્ટ્ર છોડીને તમિલનાડુમાં રહેવા ગયા, જો કે તે તમામ ગુજરાતી સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. આ તમામ સૌરાષ્ટ્ર અને ગુજરાત મૂળના લોકો પણ તમિલનાડુની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.
કેન્દ્ર સરકારના ઉપક્રમે કાશી સંગમની તર્જ પર સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે 17મી એપ્રિલે શરૂ થશે અને 26મી એપ્રિલે સમાપ્ત થશે. ગયા મહિનાની 19મી તારીખે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચેન્નઈમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો લોગો, થીમ સોંગ, રજીસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ શરૂ થતાંની સાથે જ 10 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે લોકો આ સંગમ માટે રજીસ્ટ્રેશન કરાવશે તેઓ ટ્રેન દ્વારા સોમનાથ પહોંચશે અને તે પછીના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમને કેવડિયાની મુલાકાત લેવાની પણ તક મળશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુ ગયેલા લોકોના પરિવારજનોનું સન્માન કરવાનો છે. આ સંગમ દ્વારા, તમિલનાડુ અને ગુજરાતના સૌરાષ્ટ્ર સાથે લોકો વચ્ચેનો સંપર્ક વધુ વધવાની અપેક્ષા છે.
તમિલનાડુની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન વડાપ્રધાને ત્યાંની સંસ્કૃતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વની સૌથી જૂની લોકશાહી છે જેમાં લોકતાંત્રિક સિદ્ધાંતોના ઘણા ઐતિહાસિક સંદર્ભો છે. આ સાથે તેમણે કહ્યું કે 1,100 વર્ષથી વધુ જૂના તમિલનાડુના એક શિલાલેખમાં સ્થાનિક સંસ્થાના નિયમોનો ઉલ્લેખ છે, જેમાં સભ્યને ગેરલાયક ઠેરવવાની જોગવાઈ પણ છે. તમિલ નવા વર્ષની ઉજવણીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તમિલ વિશ્વની સૌથી જૂની ભાષા છે અને દરેક ભારતીયને તેના પર ગર્વ છે. મોદીએ કહ્યું કે તમિલ સંસ્કૃતિમાં ઘણું બધું છે જેણે ભારતને એક રાષ્ટ્ર તરીકે આકાર આપ્યો છે.