અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો દૈનિક ધોરણે સતત વધી રહ્યો છે. દિવસ દરમિયાન લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે બપોરના સમયે મોટા ભાગે જાહેર રસ્તાઓ અને બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં દિવસ દરમિયાન તાપમાન 42 ડિગ્રીની નજીક પહોંચ્યું છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં સવારથી લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે બપોરના સમયે તો આકાશમાંથી જાણે અગન જ્વાળા વરસતી હોય તેવો માહોલ સર્જાયો છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ગરમીનો પારો 42.7 ડિગ્રી નજીક નોંધાયો છે. જ્યારે પ્રમુખ 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો હોવાની માહિતી મળી છે. હવામાન વિભાગે હજુ બે દિવસ ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે.
ફીવર, ડાયેરિયા, એબ્ડોમીનલ પેઇનના કેસમાં વધારો
અહેવાલ અનુસાર, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી વધીને નોંધાયું હતું અને સિઝનમાં પ્રથમવાર તાપમાન 41.9 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો થતા 26 ડિગ્રીએ પહોંચ્યું હતું. વધતી ગરમીને કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થઇ રહી છે. શહેરની વિવિધ હોસ્પિટલોમાં ફીવર, ડાયેરિયા, એબ્ડોમીનલ પેઇન સહિત ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે પણ લોકોને વધતી ગરમી વચ્ચે સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવા સલાહ આપી છે.