સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ સારી રીતે ગોઠવી શકાય તે માટે કોંગ્રેસ પાર્ટી રાજ્યના દરેક જિલ્લામાં પાર્ટી કાર્યાલયો સ્થાપશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવી દિલ્હી હાઈકમાન્ડની બેઠકમાં પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું કાર્યાલય પાલડી, અમદાવાદ ખાતે આવેલું છે. અન્ય જિલ્લાઓ અને શહેરોમાં પાર્ટી કાર્યાલયો ખૂબ નાના તેમજ યોગ્ય નથી. આવી સ્થિતિમાં ભાજપને ટક્કર આપવા માટે પાર્ટી કમલમની તર્જ પર દરેક જિલ્લામાં રાજીવ ગાંધી ભવનનું નિર્માણ કરશે. ભાજપે લગભગ તમામ જિલ્લાઓમાં પોતાની ઓફિસો બનાવી છે. તેમની પાસે ઘણી સારી સુવિધાઓ છે. ઘણા જિલ્લાઓમાં કમલમ કાર્યાલય મોટા બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
આ કારણે કાર્યાલયો કોંગ્રેસ માટે બનશે ઉપયોગી
મળતી માહિતી મુજબ, કોંગ્રેસ પાર્ટી રાજ્યના તમામ 33 જિલ્લા અને શહેરોમાં રાજીવ ભવનનું નિર્માણ કરશે અને રાજીવ ભવનનું નિર્માણ તહેસીલ સ્તરે કરવામાં આવશે. હાલમાં પક્ષ પાસે સારી અને મોટી ઓફિસો ન હોવાને કારણે સંગઠનને લગતી પ્રવૃતિઓ થઈ રહી નથી. જેના કારણે પાર્ટીને અનેક સ્તરે નુકસાન સહન કરવું પડે છે. ક્યારેક પાર્ટીના કાર્યક્રમો માટે પરવાનગી આપવામાં આવતી નથી. પાર્ટીનું પોતાનું કાર્યાલય હોવાથી સંગઠનને લગતી ગતિવિધિઓ ઝડપી બનશે.
ગુજરાતમાં 27 વર્ષથી સત્તાથી દૂર કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સાથે જોરદાર ટક્કર આપશે. ભાજપને ટક્કર આપવા માટે પાર્ટી સંસાધનોના મોરચે પોતાને મજબૂત કરવા માંગે છે. ગુજરાતના નેતાઓ સાથેની આ મહત્વની બેઠક કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને AICC ટ્રેઝરર પવન બંસલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જે દરમિયાન મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ દરેક મોર્ચે લડવા માંગે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સત્તામાં નથી રહી પરંતુ ગત વખતના પરીણામોએ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડને કમાલની આશા શક્તિસિંહ પાસેથી છે.