ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. પરંતુ, તેમ છતાં રાજ્યમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો, નશાની હાલતમાં ડ્રાઇવ કરતા ચાલકો, દારૂની મહેફિલ માણતા લોકો છાશવારે પકડાતા હોય છે. ગુજરાતમાં દારૂના ગેરકાયદે વેચાણ પર સવાલો ઉઠતા રહે છે. હવે પોલીસની જ ડ્રાઈવમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો આંકડો સામે આવ્યો છે, જે ચોંકાવનારો છે.
મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદના SG હાઈવે પર થયેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે માત્ર સાત દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 2723 કેસ નોંધાયા છે. આવા સંજોગોમાં સવાલ એ ઊઠી રહ્યો છે કે જો રાજ્યમાં દારૂબંધી છે તો પછી આટલા મોટા પાયા પર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ કેવી રીતે સામે આવ્યા?
ઓવરસ્પીડિંગના 20,737 કેસ નોંધ્યા
ગુજરાત પોલીસે દારૂના નશામાં વાહન ચલાવતા લોકોની ધરપકડ કરી છે. સમગ્ર રાજ્યમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસે 1450થી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ નોંધ્યા છે. બીજી તરફ, પોલીસે રાજ્યભરમાં અત્યાર સુધીમાં ઓવરસ્પીડિંગના 20,737 કેસ નોંધ્યા છે. ગુજરાત પોલીસના આ આંકડા 22થી 31 જુલાઈ વચ્ચેના છે. પોલીસના આંકડામાં 60 ટકાથી વધુ દારૂ પીવાની ઘટનાઓ નોંધાઈ છે. ઓવર સ્પીડથી સ્ટંટ કરવાના કેસમાં ચેકિંગમાં વધારો થયો છે. પોલીસે આ સમયગાળા દરમિયાન 265થી વધુ કેસ નોંધ્યા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ 210થી વધુ કેસ નોંધાયા છે. પોલીસ ડ્રાઇવમાં ખુલાસો થયો છે કે અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરો ટ્રાફિકના નિયમો તોડવામાં ટોચ પર છે.
ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ તવાઈ
19 જુલાઇની રાતે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ઝડપી જગુઆરે 21 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 9 લોકોના મોત થયા હતા. આ અકસ્માતના પડઘા સમગ્ર રાજ્યમાં સંભળાયા હતા. આ પછી, રાજ્ય પોલીસ દ્વારા ઓવર સ્પીડિંગ સામે ડ્રાઇવની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યભરમાં ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને ટ્રાફિક નિયમો તોડવાના કેસ નોંધાઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે.