વડોદરા રેલવે પોલીસને એક મોટી સફળતા મળી છે. ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં એક શંકાસ્પદ મુસાફરની તપાસ કરતા પોલીસને તેની પાસેથી 3 કિલો ચરસનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 5.38 લાખ જેટલી થાય છે મળી આવ્યો હતો. પોલીસે શખ્સને પકડી તેની વધુ પૂરપરછ હાથ ધરી છે.
વડોદરા અને છાયાપુરી રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણા સમયથી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરતી વખતે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોવાનું જણાતા રેલવે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન વડોદરા રેલવે પોલીસની એક ટીમ છાયાપુરી રેલવે સ્ટેશન પર તહેનાત હતી ત્યારે ગોધરા તરફથી આવતી ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના પેસેન્જર કોચમાંથી એક વ્યક્તિ ઉતરીને રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. આ શખ્સની પ્રવૃત્તિ પોલીસ જવાનોને શંકાસ્પદ જતાણા તેને રોકી તપાસ કરવામાં આવી હતી.
ચરસનો જથ્થો દિલ્હીથી મુંબઈ લઈ જઈ રહ્યો હતો
તપાસ દરમિયાન પોલીસને શખ્સ પાસેથી 3 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 5.38 લાખ જેટલી થતી હતી. શખ્સની પૂરપરછ કરતા તેણે પોતાનું નામ રાઘવેન્દ્ર બદ્રીપ્રસાદ હોવાનું અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. હાલ તે દિલ્હી ખાતે રહેતો હોવાનું પણ કબુલ્યું હતું. શખ્સે પોલીસને જણાવ્યું કે, તે આ ચરસનો જથ્થો દિલ્હીથી મુંબઈ લઈ જઈ રહ્યો હતો. આથી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી તેને આ ચરસના જથ્થા સાથે દિલ્હીથી કોણે મોકલ્યો હતો અને મુંબઈમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.