તહેવારી સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તહેવારો શરૂ થાય તે પહેલા ગૃહણીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. સાતમ-આઠમના તહેવાર પહેલા સિંગતેલમાં ભાવ ઘટાડો થયો છે. ડબ્બે રૂ.40નો ભાવ ઘટાડો થયો છે. જો કે, ભાવ ઘટાડા છતાં સિંગતેલનો ડબ્બો હજી પણ રૂ. 3000ને પાર બોલાઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં સિંગતેલનો ડબ્બો રૂ.3 હજારથી 3,040 નજીક બોલાઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના પગલે આ ભાવ ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સતત વધી રહી છે. શ્રાવણ માસ અને સાતમ-આઠમના તહેવાર પહેલા સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહણીઓને થોડી રાહત મળી છે. જણાવી દઈએ કે ગત સપ્તાહે ખાદ્યતેલના ભાવમાં રૂ. 10-20નો નજીવો ઘટાડો થયો હતો. જો કે, ત્યાર બાદ સપ્તાહના અંતે સીંગતેલમાં વધુ રૂ.10 અને કપાસિયા તેલમાં રૂ.5નો ભાવવધારો આવ્યો હતો.
દિવાળી સુધી માગ યથાવત રહેશે
અહેવાલ મુજબ, મગફળીની આવકમાં વધારો થતા ઓઇલમિલમાં પિલાણ વધવાની આશા સેવાઈ રહી હતી. જો કે, ભાવ ઘટાડો હોવા છતાં સિંગતેલના ડબ્બાના ભાવ રૂ. 3 હજારને પાર બોલાઈ રહ્યા છે. ત્યારે દીવાળી સુધી ખાદ્યતેલની માગ યથાવત રહેવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે કેટલાક આ ભાવ વધારામાં સટ્ટાખોરીનો આરોપ લગાવી રહ્યા છે.