અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે બે બેંકો સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક બંધ થવા છતાં યુએસ બેંકિંગ સિસ્ટમ સુરક્ષિત છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને દેશના લોકો અને વેપારીઓને આશ્વાસન આપ્યું છે
SVB અમેરિકાની 16મી સૌથી મોટી બેંક
16મી સૌથી મોટી કેલિફોર્નિયા સ્થિત સિલિકોન વેલી બેંક શુક્રવારે કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશન દ્વારા બંધ કરવામાં આવી હતી. બાદમાં ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને તેના રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાઇડને કહ્યું કે તેમના નિર્દેશ પર, ટ્રેઝરી સેક્રેટરી અને નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટરે SVB અને સિગ્નેચર બેંકમાં સમસ્યાઓના ઉકેલ માટે બેંકિંગ નિયમનકારો સાથે ખંતપૂર્વક કામ કર્યું.
‘જરૂરિયાત સમયે મળી જશે જમા મૂડી’
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, ‘મને ખુશી છે કે તેઓ આ સમસ્યાના ઝડપી ઉકેલ સુધી પહોંચી ગયા છે, જે અમેરિકન કામદારો અને નાના વ્યવસાયોને સુરક્ષિત કરે છે અને અમારી નાણાકીય વ્યવસ્થાને સુરક્ષા પ્રદાન કરે છે. આનું સમાધાન એ પણ સુનિશ્ચિત કરે છે કે કરદાતાઓના નાણાં જોખમમાં ન આવે. અમેરિકન લોકો અને વ્યવસાયોને વિશ્વાસ હોવો જોઈએ કે જ્યારે તેઓને જરૂર પઢશે ત્યારે તેઓ તેમની જમા રકમનો ઉપયોગ કરી શકશે.
બાઇડને અગાઉની સરકાર પર નિશાન સાધ્યું
બેંકિંગ સેક્ટરમાં કટોકટી માટે અગાઉની સરકાર પર નિશાન સાધતા બાઇડને કહ્યું, ‘ઓબામા-બાઇડન સરકાર દરમિયાન 2008માં સર્જાયેલી પરિસ્થિતિને ટાળવા માટે બેંકોને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. કમનસીબે, અગાઉની સરકારે તેમાંથી કેટલાક નિયમો હળવા કર્યા હતા. હું કોંગ્રેસ અને બેંકિંગ રેગ્યુલેટર્સને અમેરિકામાં નોકરીઓ અને નાના વ્યવસાયોને સુરક્ષિત રાખવા માટે વધુ સખત નિયમો ફરીથી ઘડવા માટે કહીશ.’