પાકિસ્તાન આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતાના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ ગયું છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે શાહબાઝ શરીફની સરકાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી મદદ માંગી રહી છે.
મુશ્કેલીમાં છે પાકિસ્તાની લોકો
પાકિસ્તાન સરકાર આર્થિક સંકટનો સામનો કરવા માટે IMFના $1.1 બિલિયન ફંડની રાહ જોઈ રહી છે. પરંતુ IMFએ હજુ સુધી બેલઆઉટ પેકેજને મંજૂરી આપી નથી. પાકિસ્તાનની જનતા સામે દરરોજ એક યા બીજી મુશ્કેલી ઉભી થઈ રહી છે. ક્યારેક સરકાર વીજળીના દરમાં વધારો કરી રહી છે તો ક્યારેક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અસાધારણ વધારો થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં મોંઘવારી દરે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ફુગાવાનો દર 31.5 ટકા નોંધાયો હતો, જે 1974 પછી એટલે કે લગભગ 50 વર્ષમાં સૌથી વધુ છે. બીજી તરફ રોજબરોજની ચીજવસ્તુઓના ભાવની ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો તેમાં ભારે વધારો જોવા મળે છે.
ડુંગળીના ભાવમાં 305.2 ટકાનો વધારો
પાકિસ્તાનમાં એક કિલો ડુંગળીનો ભાવ 150 રૂપિયાને પાર કરી ગયો છે. 9 માર્ચે ડુંગળી 157 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. જ્યારે બરાબર એક વર્ષ પહેલા 10 માર્ચ 2022ના રોજ પાકિસ્તાનમાં ડુંગળીની કિંમત 39 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે એક વર્ષમાં ડુંગળીના ભાવમાં 305.2 ટકાનો વધારો થયો છે. 20 કિલો ઘઉંનો લોટ 1775 રૂપિયામાં મળે છે.
જ્યારે માર્ચ 2022માં 20 કિલો લોટની કિંમત 1160 રૂપિયા હતી. એક વર્ષમાં ઘઉંના લોટના ભાવમાં 53.1 ટકાનો વધારો થયો છે. 10 માર્ચ, 2022ના રોજ પાકિસ્તાનમાં એક કિલો ચિકન ફોર્મ બ્રોઈલર 304 રૂપિયામાં મળતું હતું. જયારે 9 માર્ચ, 2022 ના રોજ, તેની કિંમત 41.3 ટકા વધીને 429 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
એલપીજીના ભાવ આસમાને
10 માર્ચ 2022ના રોજ 11.67 કિલોના રસોઈ ગેસ સિલિન્ડર (LPG)ની કિંમત 2518 રૂપિયા હતી. હવે આ કિંમત 36.8 ટકા વધીને 3445 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. સરસવના તેલના ભાવમાં વાર્ષિક ધોરણે 36.3 ટકાનો વધારો થયો છે. 10 માર્ચ 2022ના રોજ એક કિલો સરસવનું તેલ 437 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું હતું. જયારે 9 માર્ચ, 2023 ના રોજ, સરસવના તેલની કિંમત 595 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
પાકિસ્તાન અને IMF વચ્ચે સહમતી નથી
વર્ષ 2019માં પાકિસ્તાન અને IMF વચ્ચે $6 બિલિયનના બેલઆઉટ પેકેજને લઈને સમજૂતી થઈ હતી. આગલા વર્ષે આ પેકેજ એક અબજ ડોલર વધારીને 7 અબજ ડોલર કરવામાં આવ્યું હતું. પરંતુ પાકિસ્તાન અને IMF વચ્ચે 2019માં 6 બિલિયન ડોલરના બેલઆઉટ કરાર હેઠળ $1.1 બિલિયનનો પ્રથમ હપ્તો રિલીઝ કરવા અંગે હજુ સુધી સમજૂતી થઈ શકી નથી.
IMFની કડક શરતો સ્વીકાર્યા બાદ પણ પાકિસ્તાનને લોનનો પહેલો હપ્તો મળ્યો નથી. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક સ્ટેટ બેંકના ગવર્નર જમીલ અહેમદે ગયા અઠવાડિયે કહ્યું હતું કે પાકિસ્તાને જૂન સુધીમાં લગભગ ત્રણ અબજ ડૉલરનું દેવું ચૂકવવાનું છે.