બપોરના સમયમાં તો શહેરના તમામ વિસ્તારમાં જાહેર માર્ગ સૂમસામ જોવા મળે છે. ત્યારે લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે તંત્ર દ્વારા પણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુરુવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સુધી નોંધાયું હતું. જ્યારે આ પહેલા તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. આકરા ઉનાળામાં શહેરીજનોને રાહત મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ દ્વારા બેઠકનું આયોજન કરી મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ઉનાળાની ઋતુમાં શહેરના 283 બગીચા રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે. હીટ સ્ટ્રોક સહિતના કેસોમાં મ્યુનિ. હોસ્પિટલ અને કોમ્યુનિટી સેન્ટર પર અલાયદી વ્યવસ્થા ઊભી કરાશે.
10 લાખથી વધુ ઓઆરએસના વિતરણનો લક્ષ્યાંક
અહેવાલ મુજબ, શહેરના અર્બન હેલ્થ સેન્ટરો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 31 જેટલા એએમટીએસના સ્ટેન્ડ અને બીઆરટીએસના સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. જ્યારે આંગણવાડી કેન્દ્રોમાં ઓઆરએસ સેન્ટર ઊભા કરાશે. જ્યારે આંગણવાડીનો સમય સવારે 11.30 કલાક સુધી જ રહેશે. મ્યુનિ. દ્વારા શહેરમાં 10 લાખથી વધુ ઓઆરએસના વિતરણનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.