આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં લોટ અને દાળના ભાવ આસમાને છે. અનાજની અછત વચ્ચે હવે પાણીને લઈને નવો ઝટકો લાગ્યો છે કારણ કે પાકિસ્તાનમાં ખોરાકની સાથે પાણીની પણ નવી સમસ્યા ઉભી થઈ શકે છે. દેશના અનેક રાજ્યોમાં પાણીની અછત છે. સિંધ અને બલૂચિસ્તાનમાં પાણીની સમસ્યા વધી રહી છે અને લોકો પીવાના પાણી માટે પણ પરેશાન છે. આ સિવાય પંજાબમાં પણ કેટલીક આવી જ સમસ્યા સામે આવી રહી છે. સાદી ભાષામાં કહીએ તો પાકિસ્તાન ચારે બાજુ બરબાદીની પકડમાં છે.
હકીકતમાં, એક અહેવાલ મુજબ, બલૂચિસ્તાનના તમામ ભાગોમાં પાણીની અછત છે અને આ સમસ્યા વધુ વકરી રહી છે. વહીવટીતંત્રની બેદરકારી અને દેખરેખના અભાવે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટો બગડી રહ્યા છે. જેના કારણે આર્થિક રીતે ત્રસ્ત દેશમાં પાણીની તંગી વણસી રહી છે અને લોકો પાસે પીવાનું પાણી પણ નથી.
મળતી માહિતી મુજબ પાકિસ્તાનના બલૂચિસ્તાનના માત્ર 25 ટકા લોકોને પીવા માટે શુધ્ધ પાણી મળી રહ્યું છે. આ સિવાય સિંધ પ્રાંતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ પંજાબમાં પણ પાણીની સમસ્યા વધી રહી છે. પંજાબને 1,27,800 ક્યુસેક પાણીની જરૂર છે, જ્યારે તેને માત્ર 53,100 ક્યુસેક પાણી મળી રહ્યું છે. રાજ્યમાં 75 ટકા સુધી લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.
જણાવી દઈએ કે પાકિસ્તાન અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક પકડમાં આવી ગયું છે. વિશ્લેષકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પાકિસ્તાનની હાલત શ્રીલંકા કરતા પણ ખરાબ થઈ ગઈ છે. દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર એટલો ઓછો છે કે એક સપ્તાહની આયાત માટે પણ પૈસા બચ્યા નથી.
આ સિવાય વીજળી સંકટના કારણે દેશના અનેક રાજ્યોના શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. લોકોને રસોઈ માટે એલપીજી ગેસ મળતો નથી. મોંઘવારી દર 25 ટકાની નજીક પહોંચી જવાની વચ્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 10,000 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે.