સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં સ્ટીલનું બીજું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. હવે વિશ્વનું સ્ટીલ કેપિટલ કહેવાતું જાપાનને પણ પાછળ છોડીને ભારત આગળ વધી ગયો છે. આ સફળતાની સાથે સ્ટીલ ઉદ્યોગ દેશ માટે મૂલ્યવાન વિદેશી હૂંડિયામણની પણ બચત કરી રહ્યો છે. સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે જણાવ્યું હતું કે સ્ટીલ ક્ષેત્ર માટેની સરકારની નીતિઓએ આયાત ઘટાડીને દેશને રૂ. 34,800 કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે અને લગભગ 60 મિલિયન ટન ક્રૂડ સ્ટીલની ક્ષમતામાં વધારો કર્યો છે.
ઉત્પાદનના મામલામાં ચીન આપણાથી આગળ
સિંધિયાએ ‘સ્ટીલ ક્ષેત્રમાં સરકારી સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ’ કાર્યક્રમમાં કહ્યું કે ભારતે જાપાનને પછાડીને સ્ટીલ ઉત્પાદનમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. ભારતીય સ્ટીલની ક્ષમતા વર્ષ 2014-15માં 109.8 મિલિયન ટનથી 46 ટકા વધીને નાણાકીય વર્ષ 2022-23માં 160.3 મિલિયન ટન થઈ છે. સ્ટીલનું કુલ ઉત્પાદન પણ 88.9 મિલિયન ટનથી વધીને 126.2 મિલિયન ટન થયું છે. સ્ટીલનો માથાદીઠ વપરાશ પણ આ સમયગાળા દરમિયાન 60.8 કિગ્રાથી 43 ટકા વધીને 86.7 કિગ્રા થયો છે.
માથાદીઠ વપરાશ બમણો કરવાનો લક્ષ્યાંક
રાષ્ટ્રીય સ્ટીલ નીતિ 2017 મુજબ, દેશ 2030-31 સુધીમાં ક્ષમતા વધારીને 300 મિલિયન ટન અને ઉત્પાદન 250 મિલિયન ટન કરવાનું લક્ષ્ય રાખે છે. જ્યારે માથાદીઠ વપરાશનો લક્ષ્યાંક 160 કિલો છે. સિંધિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે લોખંડ અને સ્ટીલ ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માટે લાવવામાં આવેલી નીતિને કારણે દેશ અત્યાર સુધીમાં લગભગ રૂ. 34,800 કરોડની આયાત ઘટાડવામાં સફળ રહ્યો છે. તેનાથી દેશના વિદેશી હૂંડિયામણની પણ બચત થઈ છે.