કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નેહરુજીની ઓળખ તેમના કાર્યો છે. તેનું નામ નથી. કેન્દ્ર સરકારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ અને લાઈબ્રેરી રાખ્યું છે. નવું નામ સત્તાવાર રીતે 14 ઓગસ્ટથી અમલમાં આવ્યું છે. આ પરિવર્તનને લઈને કોંગ્રેસ દ્વારા પહેલા જ કેન્દ્રની નીતિઓને નિશાન બનાવવામાં આવી હતી. કોંગ્રેસ વતી કહેવામાં આવ્યું હતું કે સતત હુમલાઓ છતાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો વારસો હંમેશા જીવંત રહેશે અને તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.
આજે પહેલીવાર રાહુલ ગાંધીએ આ બદલાવ પર કંઈ કહ્યું છે. લેહ-લદ્દાખના બે દિવસના પ્રવાસે રવાના થતા પહેલા પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે સ્પષ્ટ કહ્યું કે નહેરુજીની ઓળખ તેમના કાર્યો છે, તેમનું નામ નથી.
નહેરુવાદી વારસાને નકારવો જ એકમાત્ર એજન્ડા – જયરામ રમેશ
આ પહેલા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ દ્વારા કેન્દ્ર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિશ્વ વિખ્યાત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML) હવે PMML (પ્રાઈમ મિનિસ્ટર મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી) બની ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો, “(નરેન્દ્ર) મોદીજી ભય, પૂર્વગ્રહ અને અસુરક્ષાથી ઘેરાયેલા છે, ખાસ કરીને જ્યારે વાત આપણા પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રીની આવે છે. તેમનો એકમાત્ર એજન્ડા નેહરુ અને નહેરુવાદી વારસાને નકારવાનો, વિકૃત કરવાનો, બદનામ કરવાનો અને નાશ કરવાનો છે. તેઓએ ‘N’ કાઢી નાખ્યું છે અને તેને ‘P’ કરી નાખ્યું છે.
નેહરુનો વારસો હંમેશ જીવંત રહેશે – રમેશ
રમેશે કહ્યું, “વડાપ્રધાન મોદી સ્વતંત્રતા ચળવળમાં નેહરુના અપાર યોગદાન અને ભારતના રાષ્ટ્ર-રાજ્યના લોકતાંત્રિક, બિનસાંપ્રદાયિક, વૈજ્ઞાનિક અને ઉદાર પાયાના નિર્માણમાં તેમની મહાન સિદ્ધિઓને ક્યારેય ભૂંસી નહીં શકે. આ બધા પર હવે મોદીજી અને તેમની વાહ-વાહ કરનારાઓ તરફથી સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.” તેમણે કહ્યું, “સતત હુમલાઓ છતાં, જવાહરલાલ નેહરુનો વારસો હંમેશ માટે જીવંત રહેશે અને તેઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.
કોંગ્રેસની ટીકા એ દરબારીઓનો વિલાપ – રવિશંકર પ્રસાદ
ભારતીય જનતા પાર્ટી (BJP) એ વળતો પ્રહાર કરતા કહ્યું કે મુખ્ય વિરોધ પક્ષની વિચાર પ્રક્રિયા એકલા નેહરુ-ગાંધી પરિવારની આસપાસ ફરે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માન આપવામાં માને છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ નહેરુ-ગાંધી પરિવારને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત છે જ્યારે મોદીએ ખાતરી કરી છે કે તમામ પ્રધાનમંત્રીઓને સન્માનજનક સ્થાન આપવામાં આવે. તેમણે કહ્યું કે આ પહેલા અન્ય કોઈ વડાપ્રધાનને મ્યુઝિયમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના નેતાઓની ટીકા એ દરબારીઓના વિલાપ સિવાય બીજું કંઈ નથી.