શ્રી આઈ ખોડલ સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર બની છે. સ્ટ્રોબેરી, કમલમ જેવા ફ્રૂટની ખેતી કરી તેમાંથી જામ, જેલી, અને ચિપ્સ બનાવી મહિલાઓ પગભર બની રહી છે. આમ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની સાથે અન્ય આત્મનિર્ભર બનવા માંગતી મહિલાઓ માટે આણંદપર ગામની બહેનો પ્રેરણારુપ બની છે.
– મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આણંદપર ગામની બહેનો
– જામનગરના આણંદપરની મહિલાઓએ શરુ કરી પ્રાકૃતિક ખેતી
– સ્ટ્રોબેરી અને કમલમ (ડ્રેગનફ્રૂટ) ફળની ખેતીથી વર્ષે 3 લાખથી વધુની કરી કમાણી
– નાળિયેરી, ગુલાબ, સફરજન, આંબો જેવા ફળ ફૂલોના રોપાઓનું કરે છે વેચાણ
– જામ,જેલી અને ચિપ્સ બનાવી રિટેલ માર્કેટમાં વેચાણ
– નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન હેઠળ મળી રુ. 1 લાખની લોન
જામનગર જિલ્લાના આણંદપર ગામની 10 મહિલાઓએ “શ્રી આઈ ખોડલ સખી મંડળ” બનાવી ખેતીમાં મૂલ્ય વૃદ્ધિનો સુંદર દાખલો પૂરો પાડ્યો છે. આ બહેનો પ્રાકૃતિક પદ્ધતિથી સ્ટ્રોબેરી અને કમલમ (ડ્રેગનફ્રૂટ) ફ્રૂટની ખેતી કરી તેમાંથી જામ, જેલી, અને ચિપ્સ બનાવે છે. મંડળની બહેનો રિટેલ માર્કેટમાં વેચાણ કરી વર્ષે 3 લાખ રુપિયાથી વધુની કમાણી કરે છે. આ બહેનોને બાગાયત વિભાગે તાલીમ આપી છે. આ ઉપરાંત એનઆરએલએમ યોજના અંતર્ગત રુપિયા 1 લાખની લોન- સહાય પણ મળી છે.
શ્રી આઈ ખોડલ સખી મંડળના સભ્ય જીજ્ઞાબેન જેસડિયાએ કહ્યું કે, સખી મંડળ ચલાવતા તેની પહેલા અમે ખેતી જ કરતા હતા પરંતુ આટલી બધી આવક નહોતી થતી, ત્યારે અમારી આવક પચાસ હજાર જ હતી અત્યારે ત્રણ લાખ થઈ છે. સરકાર ઘણી બધી મહિલાઓ માટે સહાય આપે છે અને અમે આ નર્સરી કર્યા પછી સખી મંડળમાં આવ્યા પછી જ અમે આગળ વધ્યા છીએ. આજે અમે પગભર બન્યા છીએ. આમાં ભણવું જરુરી નથી કેમ કે એવું નથી કે ભણેલા જ હોવા જોઈએ થોડુ ભણેલા હોય તો પણ આ કામ કરી શકીને આત્મનિર્ભર બની શકાય છે. ખરેખર મહિલાઓને અત્યારે પગભર થવાની ખૂબ જ જરુર છે. તેમ તેમણે કહ્યું હતું.