અટલ પેન્શન યોજનાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સરકારના મુખ્ય સામાજિક સુરક્ષા કાર્યક્રમ અટલ પેન્શન યોજના (APY) માટે 5.25 કરોડથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 મે 2015ના રોજ લાગુ કરી હતી.
આ યોજના ભારતના તમામ નાગરિકો, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના સમગ્ર દેશમાં વ્યાપકપણે લાગુ કરવામાં આવી છે અને નોંધણીની સંખ્યાને ધ્યાનમાં લેતા, યોજના 5.25 કરોડના આંકડાને પાર કરી ગઈ છે, જેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડેટા સામેલ કરવામાં આવ્યા છે.
APY યોજના શા માટે લોકપ્રિય બની?
અટલ પેન્શન યોજનાની શરૂઆતથી નોંધણીની સંખ્યામાં સતત વધારો થયો છે. 2021-22ની સરખામણીમાં 2022-23માં 20 ટકાનો વધારો થયો છે. યોજનાની કુલ AUM રૂ. 28,434 કરોડથી વધુ છે અને યોજનાએ શરૂઆતથી 8.92 ટકા રોકાણ વળતર મેળવ્યું છે. આ યોજનાના વિશે વાત કરતા મંત્રાલયે કહ્યું છે કે, જાહેર અને ખાનગી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, પેમેન્ટ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પોસ્ટલ વિભાગના પ્રયાસો વિના આ યોજના સફળ થઈ શકી ન હોત. સમાજના સૌથી સંવેદનશીલ વર્ગને પેન્શનના દાયરામાં લાવવાની આ સિદ્ધિ તેમના વિના શક્ય ન બની હોત.
શું છે અટલ પેન્શન યોજના?
અટલ પેન્શન યોજના હેઠળ, 18-40 વર્ષની ઉંમરના કોઈપણ ભારતીય નાગરિક દ્વારા ખાતું ખોલાવી શકાય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે બચત બેંક ખાતું છે અને તે આવકવેરાદાતા નથી તે આ યોજનામાં પોતાને નોંધણી કરાવી શકે છે. APY હેઠળ, સબ્સ્ક્રાઇબરને તેના યોગદાનના આધારે 60 વર્ષની ઉંમરથી આજીવન દર મહિને રૂ.1 હજારથી રૂ. 5 હજાર સુધીની લઘુત્તમ ગેરેન્ટેડ પેન્શન મળશે. પેન્શનરનું મૃત્યુ થયા બાદ તેના જીવનસાથીને પેન્શન મળશે. પેન્શનર અથવા તેના જીવનસાથીના મૃત્યુ પર, સંચિત પેન્શનની રકમ નોમિનીને પરત કરવામાં આવશે.