અરબી સમુદ્રમાં સર્જાયું સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસામાં વરસાદ પર અસર પાડી શકે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ઔપચારિક આગમનમાં થોડો વિલંબ થશે. અત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ગોવા અને યમન વચ્ચેના દરિયાની મધ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સર્ક્યુલેશન 3થી 4 દિવસ દરમિયાન ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.
આ સંભવિત ચક્રવાત યમન ઓમાન તરફ આગળ વધે તો ઓછી અસર વર્તાશે. જેથી આ વખતે સર્ક્યુલેશનની અસરના કારણે ચોમાસું હજુ પણ થોડું મોડું આવશે. કેમ કે, દેશમાં કેરળમાં સૌ પ્રથમ ચોમાસું બેસે છે ત્યારે કેરળ બાદ ગુજરાતમાં ચોમાસું 15 દિવસ બાદ આવી શકે છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ પર પણ અસર સર્જાશે ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન અસહ્ય બફારો યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 7 જૂને કેરળ પહોંચશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું એક સપ્તાહ મોડું થશે, જે સામાન્ય રીતે 1 જૂને આવે છે. જેના કારણે ગુજરાત પણ ચોમાસું થોડા દિવસ માટે મોડું આવશે. ગત વખતે ચોમાસામાં 100 ટકા વરસાદ રહ્યો હતો ત્યારે આ વખતે ખેડૂતોને ગત વખત જેટલા વરસાદની આશા છે. જો કે, જૂન મહિનાના પ્રથમ કે બીજા સપ્તાહ બાદ જો વરસાદ વરસે છે તો ખેડૂતો માટે એ લાભકારી હશે.