સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે રહેતા એક ખેડૂતે નવતર પ્રયોગ કર્યો છે. પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઈએ પોતાની 27 વિઘા જમીન પૈકીની 5 વિઘામાં સફરજનની ખેતી અને 5 વિઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે. ઠંડા પ્રદેશમાં થતી ખેતી તેઓ અમરેલીમાં કરી રહ્યા છે.
માહિતી મુજબ, અગાઉ જેન્તીભાઈ કપાસ, ચણા, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કરતા હતા, જેમાં તેમણે વધુ મહેનત કરવી પડતી હતી. જ્યારે હવે તેમણે સંપૂર્ણ ઓર્ગનિક રીતે સફરજન અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. સફરજન અને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં મહેનત પણ ઓછી કરવાની હોય છે. આ સફરજન અને ડ્રેગનની નવી ખેતી ખેત મજૂરો માટે પણ સરળ બની રહી છે.
સફરજનની ખેતી માટે રૂ.21 લાખ જેટલો ખર્ચ થયો
જણાવી દઈએ કે, સામાન્ય રીતે સરફજનની ખેતી ઠંડા પ્રદેશમાં થતી હોય છે. જ્યારે અમરેલી જેવા વિસ્તારમાં ખેડૂતો રૂટિન વાવેતર કરતા હોય છે, પરંતુ પ્રગતિશીલ ખેડૂતે અમરેલીમાં સફરજનની ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ આશ્રયમાં મૂકી દીધા છે. આ પ્રગતિશીલ ખેડૂતની સફરજનની ખેતીથી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. પ્રગતિશીલ ખેડૂતએ 5 વિઘામાં 21 લાખ રૂપિયા જેવો ખર્ચ કર્યો છે, દોઢ વર્ષના સફરજનના વૃક્ષ થતા તેમાં સફરજનનો ફાલ પણ સારો આવ્યો છે.